સોનવાડીના અંબિકા નદી પર બનેલા પુલને સજ્જ કરવાની માંગણીનો પડઘો પાડવામાં આવતા બુધવારે પુલ પરના થોડા ગાબડા તો સજજ કરવામાં આવ્યા પરંતુ બન્ને એપ્રોચના કઠેરાની દિવાલોમાં પડેલી મોટી તિરાડો અને ગાબડા રિપેર કરાયા ન હતા.
જો આ તાકીદે રિપેર નહીં થાય તો દિવાલો ધસી પડવાનો ભય પણ માંગણીકારોએ દર્શાવ્યો હતો. પુલનું મરામતનું કામ ગુણવત્તાસભર નહીં હોવાનું પણ જણાવી અસંતોષ વ્યક્ત કર્યો હતો. ખખવાડાના જાગૃત નાગરિક ડો. જયેશભાઇ નાયક, ગડત મંડળીના નિવૃત્ત અને સાલેજ ગામના મુકેશભાઈ નાયક અને અન્ય સાથીઓએ પુલ પર સ્થિતિનો સ્થળ કયાસ દર્શાવતા જણાવ્યું હતું કે સળિયા નીકળવા માંડયા છે જે આગામી ચોમાસામાં વાહનોના ટાયર ફાડી નાંખશે, મુસાફરોના પગમાં વાગશે. સત્તાધિશો આ બાબતે તાકીદે પગલાં લે તેવી તેમણે લાગણી અને માગણી વ્યક્ત કરી હતી.
આ માગણીને ધ્યાનમાં લઇ બુધવારે પુલનું કરાયેલુ સમારકામ સાવ નકામું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પુલના બંને પ્રવેશ ઉપર 50થી 60 ફૂટની જગ્યા છોડવાની પણ તેમણે માગણી કરી હતી. જેથી વાહન ચાલકોને પુરી સુવિધા રહે અને પૂરપાટ ઝડપથી આવતા વાહનોને ટર્ન મારવાનો સમય અને જગ્યા મળે. આ બાબતે તેમને રાજ્ય સરકારને પણ પત્ર લખ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
નવસારી-ગણદેવી સ્ટેટ રોડ પર અંબિકા નદી ઉપર પુલની સરફેસને ગુણવત્તાસભર અને ટેકનિકલ રીતે વી કાર્પેટ સાથે લેવલિંગ કરીને કરવામાં આવે તેવી માગણી ફરી કરાઈ છે, જે ગુણવત્તાસભર હોવી જોઈએ. ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈને આ બાબતે પૂછતાં તેમણે આ માંગણીકારોની માગણીને ધ્યાનમાં લઈને પુલને સજ્જ કરવાની લાગણીને સમર્થન આપ્યું હતું અને યોગ્ય તે કરવાની ખાતરી પણ આપી હતી. જોકે આ બાબતે માર્ગ અને મકાન ખાતાના કાર્યપાલક ઇજનેરનો સંપર્ક સાધી શકાયો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.