રજૂઆત:ગણદેવીમાં કોરોના કેસ ઘટતા સ્વૈચ્છિક લોકડાઉનમાં ફેરવિચારણા કરવા માગ

ગણદેવી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં સવારે 6 થી સાંજે 4 વાગ્યાં સુધી ધંધા-વેપાર ચાલુ છે

ગણદેવી નગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના ત્રીજા તબક્કો 31મી મે એ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે નગરને અનલોક કરવામાં આવે તેવી જનસમુહની અને વેપારીઓની લાગણી પ્રવર્તી રહી છે. મંદીના વાતાવરણમાં વેપાર-ઉદ્યોગ, ધંધા-રોજગાર સૌ પડી ભાંગ્યા છે ત્યારે રોજિંદા આર્થિક વ્યવહારો યથાવત થાય અને બજારો ખુલે તેમ જ વેપાર-ધંધા નિયમિતપણે શરૂ થાય તેવી લાગણી સાથે જ્યારે કોરોનાનો કહેર ઓછો થવા તરફ જઈ રહ્યો છે ત્યારે સ્વૈચ્છિક લોકડાઉનને ગણદેવી નગરમાં હળવાશથી અમલ કરાય અને શક્ય હોય તો સંપૂર્ણ ઉઠાવી લેવાય અથવા તો રાત્રિના ગાળા દરમિયાન જ લોકડાઉન રખાય એવી સામાન્યતઃ લાગણી પ્રવર્તી રહી છે.

આ બાબતે ગણદેવી નગરપાલિકાના પ્રમુખ પ્રાણલાલભાઈ પટેલે પણ જણાવ્યું હતું કે 31મીએ નગરમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે સત્તાધીશો જરૂરથી આ બાબતમાં હકારાત્મક રહીને વિચારશે અને લોકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી શકાય તે બાબતે પણ વિચારણા કરવામાં આવશ. જો જરૂર જણાશે તો જ રાત્રિના સમય દરમિયાન સ્વૈચ્છિક લોકડાઉન લંબાવવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી હતી.

હાલમાં ગણદેવી નગરમાં સવારે 6 થી સાંજે 4 વાગ્યા દરમિયાન સ્વૈચ્છિક ધંધા-વેપાર કરાઈ રહ્યા છે. જ્યારે સાંજે 4 થી સવારે છ વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ સૌ કોઈ સ્વેચ્છાએ કરી રહ્યા છે જે છૂટછાટો ધારાધોરણો નક્કી થયા મુજબ આપવામાં આવી છે તેમજ આવશ્યક ચીજવસ્તુઓને એમાંથી મુક્ત રખાઇ છે પરંતુ આગામી દિવસોમાં જો કોરોનાની સ્થિતિ સુધરતી જણાશે તો લોકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાશે તેવી શક્યતાને પણ સત્તાધીશોએ વાતચીતમાં નકારી નથી.

અન્ય સમાચારો પણ છે...