દેશનું નામ રોશન કર્યું:લંડન સ્થિત હાર્વર્ડ વર્લ્ડ રેકોર્ડમાં અમલસાડના પરબ ગૃપે રેકોર્ડ નોંધાવ્યો

ગણદેવી8 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુવા વાંચન અને સાહિત્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલ અમલસાડનું 'પરબ' ગૃપ વખતોવખત યુવા જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિ કરતું આવ્યું છે. આ વખતે એમણે લંડન સ્થિત હાર્વર્ડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનો રેકોર્ડ નોંધાવ્યો છે. યુવાનો ખાસ કરીને 17થી 21 વર્ષની વય ધરાવતાએ મહાત્મા ગાંધી ઉપર સતત 10 કલાક સુધી પ્રવચન આપ્યું હતું. પરબ ટીમનાં આવા 48 સભ્યોએ ભાગ લીધો હતો. જેને હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ માન્ય ગણી એમના નામે રેકોર્ડ નોંધ્યો હતો.

આ સફળતા બદલ 'પરબ'નાં મુખ્ય સંચાલક ડો. જય વશી અને પુલકિત વશીએ તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતાં. આ પહેલા આટલી નાની ઉંમરનાં યુવાનો સતત આટલે લાંબા સમય સુધી મહાત્મા ગાંધી ઉપર બોલ્યા હોય એવું હાર્વર્ડનાં ચોપડે નોંધાયું નથી પરંતુ પરબ ટીમનો જુસ્સો અને એમની મહેનતે આ રેકોર્ડ પ્રસ્થાપિત કરી દેશ અને સમાજનું નામ રોશન કર્યું છે.

પરબ યુવાનોને વાંચન તરફ વાળવાની તેમજ યુવાનોને એક દિશા આપનારી કાર્યરત સંસ્થા છે. યુવાનોમાં વાંચનની ભૂખ જાગે અને વાંચન તરફ વળે તેમજ નશીલા પદાર્થોથી દૂર રહે. બીજી તરફ પુસ્તક મેળો યોજવા ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય તરફ યુવા જગતને વધુમાં વધુ વાળવાના મૂળભૂત ઉદ્દેશ સાથે આ સંસ્થા કાર્યરત છે.

અત્યાર સુધીમાં 35 હજારથી વધારે વાચકોએ યુવાનો દ્વારા આયોજિત પુસ્તક મેળામાં ભાગ લીધો છે. ગણદેવી કોળી સમાજની વાડીમાં ‘પરબ’ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ભૂતકાળમાં કરાયું હતું. ગણદેવી તાલુકાના અમલસાડ ગામની અંદર મધ્યવર્તી કેન્દ્ર બનાવી આ સંસ્થા પાંગરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...