તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:તાલુકા મથક ગણદેવીમાં એસટી ડેપો બનાવવા બેઠકોનો દોર શરૂ

ગણદેવી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા સાથે એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ, હવે જરૂરી જમીન મેળવવા આગામી દિવસોમાં પ્રયાસ કરવામાં આવશે

ગણદેવી નગરને અદ્યતન એસટી ડેપો મળી રહે તે માટે છેલ્લા ત્રણ દાયકા જૂની માંગણી સંતોષવા એસટી વિભાગનું વલસાડ ડિવિઝનના અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયા હતા. ગણદેવી નગરપાલિકા સાથે પણ તેઓએ સોમવારે બેઠક કરતા ગણદેવી નગરપાલિકાએ નગરમાં જ્યાં હાલમા એસટી સ્ટેન્ડ છે તે જગ્યા પર એસટી ડેપો બને તે માટે જમીન સંપાદન કરવા માટે વલસાડ વિભાગના અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.

આ કાર્યવાહીમાં નવસારી જિલ્લાના કલેકટરથી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ સક્રિય હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. એસ.ટી.ના વલસાડ ડિવિઝનના બાંધકામ વિભાગના તેમજ અન્ય અધિકારીઓએ આ બાબતે ખૂબ જ સક્રિયતા દર્શાવી જમીન સંપાદનની કાર્યવાહી ઝડપથી હાથ ધરવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા અને કાર્યવાહી કરવા સક્રિયતા દર્શાવી હતી.

સ્થળની મુલાકાત લઇ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં બેઠક યોજી વર્ષો જૂના આ પ્રશ્નની માંગણીએ પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરી હતી. સોમવારે સવારે વલસાડ વિભાગના બાંધકામ તેમજ ટ્રાફિક કંટ્રોલ વિભાગ ઉચ્ચ અધિકારીઓ ગણદેવી એસટી સ્ટેન્ડની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગણદેવી નગરપાલિકાના અધિકારીઓ પણ જોડાયા હતા અને ગણદેવી નગરને અદ્યતન ડેપો બનાવવા માટે જરૂરી જમીન સંપાદનનો પણ સ્થળ અભ્યાસ કર્યો હતો.

આ બાબતે નકશા અને જરૂરી દસ્તાવેજો તૈયાર કરી દરખાસ્ત કલેકટરને એસટી વિભાગ દ્વારા કરાનાર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ રજૂઆતને પગલે ગણદેવી પાલિકાના પ્રમુખ પ્રાણલાલ પટેલ અને ચીફ ઓફિસર નીલકંઠભાઈએ સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. ગણદેવી નગરના ત્રણ દાયકા જૂના પ્રશ્ન એ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની જરૂર જણાય તો તૈયારી દર્શાવી હતી. આ માટે સાંસદ સી.આર.પાટીલ તેમજ ધારાસભ્ય નરેશભાઇ પટેલ ઉપરાંત અન્યને પણ જોડવામાં આવશે.

જેથી આ કાર્ય વહીવટી ગૂંચમાં નહીં થાય અને ત્રણ દાયકા જૂનું નગરના આ પ્રશ્ને ઝડપથી ઉકેલાય અને એનું પરિણામ આવે તે માટે સક્રિયતા દર્શાવાઇ રહી છે. એસટી વલસાડ ડિવિઝનના ઉચ્ચાધિકારીઓ સાથેની આ ત્રીજી બેઠક છે. એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી ઝડપથી કરશે અને ઉચ્ચસ્તરીય રજૂઆતો કરી પરિણામલક્ષી પ્રક્રિયા હાથ ધરાશે.

આ બેઠકમાં ગણદેવી પાલિકાના અધિકારી-પદાધિકારીઓ ઉપરાંત એસટીના વલસાડ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર રાહુલભાઈ પટેલ, ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર જે.એન.ગાનુવા તેમજ ભારતીબેન પટેલ આસિસ્ટન્ટ ટ્રાફિક એમ.આઈ.પટેલ તેમજ એન.એમ.શેખ જોડાયા હતા. તેમણે આ બાબતે તાકિદે કાર્યવાહી કરવાની તત્પરતા દર્શાવતા આગામી દિવસોમાં ગણદેવી નગરને આ પ્રશ્ને પરિણામલક્ષી કાર્યવાહી થઈ પરિણામ મળશે એવી આશા ઉપસ્થિત પદાધિકારીઓએ વ્યક્ત કરી હતી.

ભૂતકાળમાં જગ્યાનો મામલો અટવાયો હતો
ભૂતકાળમાં એસટી વિભાગ દ્વારા ગણદેવીમાં ડેપો બનાવવાની તત્પરતા અવારનવાર દર્શાવવામાં આવી હતી પરંતુ જગ્યાના મામલે એસટી ડેપો ક્યાં બાંધવો એ પ્રશ્ન ગૂંચવાતો રહ્યો હતો. ગણદેવી નગરમાં અનેક સ્થળની ચર્ચા ભૂતકાળમાં થઇ હતી પરંતુ યેનકેન કારણોસર આ પ્રશ્ન અટવાતો જ રહ્યો છે. હવે ગણદેવી નગરના વર્ષો જૂના પડતર પ્રશ્ને આગામી મહિનાઓમાં પરિણામ સાંપડશે એવી આશા જરૂર રાખી શકાય.

જરૂરી જગ્યા માટેનો અભ્યાસ કરાયો
એસટી વિભાગ ડેપો માટેની દરખાસ્ત તાકીદે તૈયાર કરી જે તે સત્તાધીશો સમક્ષ મુકશે. ગણદેવી નગરપાલિકા દ્વારા જરૂરી દસ્તાવેજો અને નકશા પણ અધિકારીઓ અને કર્મચારીઓએ પૂરા પાડયાં હતા. વલસાડ વિભાગના અધિકારીઓએ સોમવારે ગણદેવી પાલિકાના અધિકારીઓ સાથે જરૂરી માર્ગની પણ સ્થળ મુલાકાત લીધી હતી. હાલના એસ્ટેટની બાજુમાં આવેલી જુના પોલીસ લાઈનની ખંડેર ખોલીઓ તેમજ જૂની મામલતદાર કચેરીની જગ્યા તેમજ પોલીસ લાઈનની જગ્યાનો પણ સ્થળ અભ્યાસ કર્યો હતો આ જગ્યાએ માર્ગનો પણ અભ્યાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...