તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:કેસલી-પાટીના 500 રેશનકાર્ડ ધારકોએ રાશન લેવા 7 કિમી દૂર વલોટી જવું પડે છે

ગણદેવી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લેવલે અનાજ વિતરણ વ્યવસ્થા ઉભી નહીં કરાય તો આંદોલનની ચીમકી
  • ગણદેવી મામલતદારને ગ્રામવાસીઓએ આવેદન પત્ર પાઠવી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો

ગણદેવી તાલુકાના કેસલી અને પાટી ગામના 500થી પણ વધારે રેશનકાર્ડ ધારકો છેલ્લા બે દાયકાથી સરકાર તરફથી આપવામાં આવતું સસ્તું અનાજ મેળવવા 7 કિલોમીટર દૂર આવેલા વલોટી ગામે જવું પડતું હોય હાલાકી ભોગવી રહ્યા છે. તેમણે આ બાબતે બુધવારે ગણદેવી તાલુકા મામલતદાર કચેરીએ મામલતદારને આવેદન આપ્યું હતું.

ગણદેવી તાલુકાના કેસલી અને પાટી ગામે કેસલી મંડળીનું મોટું મકાન આવેલું છે. જેમાં સરકારી સસ્તા અનાજની દુકાનની વિતરણ વ્યવસ્થા ચાલતી હતી. છેલ્લા બે દાયકાથી આ વિતરણ વ્યવસ્થા નહીં હોવાથી આ ગામના લોકોએ રિક્ષામાં કે ભાડે ટેમ્પો કરીને વ્યક્તિગત ધોરણે વલોટી અનાજ લેવા જવું પડે છે. એને કારણે વૃદ્ધો અને દિવ્યાંગોને હાલાકી ભોગવવી પડતી હોવાનું ગ્રામજનોએ તાલુકા મામલતદારને આવેદન આપી જણાવ્યું હતું.

આવેદનમાં 200થી પણ વધુ ગ્રામજનોએ સહી કરીને માગણી કરી હતી કે તેમને સ્થાનિક વિતરણ વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે. પાટીથી 30 રૂપિયાની રિક્ષા કરી તેઓએ વલોટી રાશન લેવા જવું પડે છે ત્યારે દુકાનદાર તેમને રાશન આપવાની ના પાડી દે અને બીજા દિવસે આવવાનું કહે છે ત્યારે આ ખર્ચ એમને ભારે પડી રહ્યો છે અને મુશ્કેલી વેઠવી પડી રહી છે. કેસલી ગામના માજી સરપંચ મનુભાઈ ધીરુભાઈ પટેલ અને શંકરભાઈ ફકીરભાઈ પટેલ ઉપરાંત તલાટી અજીતભાઈ, યુસુફભાઈ ખલીફા, સુભાષભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ સહિતનાએ ગણદેવીના મામલતદારને લેખિત રજૂઆત કરતા તેમણે આ પ્રશ્ને તાકિદે નિવેડો લાવવાની ખાતરી આપી હતી.

આ બાબતે સરપંચ અનિતાબેન કલ્પેશભાઈ હળપતિએ આ પ્રશ્ને હકારાત્મક રહી વિતરણ વ્યવસ્થા ફરી કેસલી સહકારી મંડળીમાં જ ગોઠવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. કેસલી, પાટીના ગ્રામજનોએ મામલતદારને આવેદન આપી આ માંગણી નહીં સંતોષાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...