ચીખલી તાલુકાના જોગવાડમાં રાત્રિ દરમિયાન હાજતે ગયેલા શખસ ઉપર કોઈ વન્યપ્રાણીએ હુમલો કરતા ઇજાગ્રસ્ત થતા સારવાર લેવાની નોબત આવી હતી. બનાવની વન વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના જોગવાડ ગામના ખડકી ફળિયા વિસ્તારમાં કપિલ વનમાળીભાઈ હળપતિ (ઉ.વ.આ.45) ગતરાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં શેરડીના ખેતર પાસે હાજતે ગયો હતો. આ દરમિયાન અચાનક કોઈ વન્યપ્રાણીએ તેના ઉપર હુમલો કર્યો હતો અને તેના ગળા અને છાતીના ભાગે ઇજા પહોંચાડી હતી.
તેને ઈજા પહોંચતા સારવાર અર્થે ખારેલની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી હતી. જોગવાડના આ વિસ્તારમાં વન્ય પ્રાણીના આ હુમલાના બનાવને પગલે લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. રાત્રિ દરમિયાન બનેલા આ બનાવમાં દીપડો હતો કે અન્ય કોઈ વન્યપ્રાણી તેની ખબર પડી ન હતી. અચાનક વન્યપ્રાણીના હુમલાથી ગભરાઈ જતા કપિલ હળપતિ યેનકેન પ્રકારે ઘરે પરત આવી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.