ચીખલી તાલુકામાં આંગણવાડીમાં સગર્ભા બહેનોને ગરમા-ગરમ ભોજન પુરૂ પાડવાની પોષણસુધા યોજના આંગણવાડી કાર્યકરો માટે આફતરૂપ બની છે. દાળ-ભાત,શાક-રોટલી સાથેની ડિશના આંગણવાડી કાર્યકરોને રૂ. 27 ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. જે મોંઘવારીમાં કોઇપણ રીતે પરવડે તેમ નથી અને જેનો વિરોધ કરવા છતાં દબાણ કરી ધરાર ભોજન તૈયાર કરાવાઈ રહ્યું છે.
બાળ વિકાસ વિભાગ દ્વારા ચીખલી સહિતના ટ્રાયબલ તાલુકાઓમાં આંગણવાડી મારફત સગર્ભા બહેનોને ગરમા ગરમ ભોજન આંગણવાડી પર જ પુરૂ પાડવાની પોષણસુધા યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અનાજ-કરિયાણુ-શાકભાજી, મજૂરી સાથે દાળ-ભાત-શાક-રોટલી સહિત સોમવારથી શનિવાર સુધીનું મેનું આપી દેવામાં આવ્યું છે અને આ મુજબની એક ડીશના રૂ. 27 આંગણવાડી કાર્યકરોને ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં અનાજ, તેલ, કઠોળ, મસાલા, શાકભાજીના હાલના બજારના ભાવો મુજબ કોઇપણ રીતે પરવડે તેમ નથી.
આંગણવાડી કાર્યકરોને માંડ રૂ. 7800 જેટલો પગાર ચૂકવાતો હોય છે. કેટલીક આંગણવાડીમાં તો 10થી વધુ પણ સગર્ભા બહેનો હોય છે ત્યારે એક ડીશના રૂ. 27 ચૂકવાઈ તેમાં આંગણવાડી કાર્યકરની આર્થિક સ્થિતિ કફોડી થઈ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.
ખરેખર યોજના વ્યવહારૂ પણ હોવી જોઈએ પરંતુ યોજના બનાવનારા મહિને લાખોના પગાર લેતા ઉચ્ચાધિકારીઓને કદાચ અનાજ, કઠોળ, તેલ, શાકભાજીના ભાવની ખબર ન પણ હોય શકે આંગણવાડીના કાર્યકરો દ્વારા યોજનાનો વિરોધ કરી સીડીપીઓ,મામલતદાર સહિતનાને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં હાલ આંગણવાડી કર્મચારીઓને દબાણ કરી ધરાર ભોજન બનાવાઇ રહ્યું છે અને રીતસરનું આંગણવાડી બહેનોનું શોષણ થઈ રહ્યું છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ દાખવે તે જરૂરી છે.
મેનુ નક્કી કરવામાં આવેલું છે
પોષણસુધા યોજનામાં મેનુ નક્કી કરવામાં આવેલું છે અને જેમાં ડીશના રૂ. 27 ચૂકવવાની જોગવાઈ કરવામાં આવેલી છે. >મધુબેન, સીડીપીઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.