હાલાકી:બગલાદેવ સર્કલની સ્ટ્રીટ લાઈટ બંધ થતાં ફરી અંધારૂ, 9 જેટલી લાઈટ બંધ હાલતમાં જોવા મળી

ચીખલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીખલી હાઇવે ચાર રસ્તા નજીક એસ.ટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન મોટાપાયે અવર-જવર રહેતી હોય છે. ચીખલી-વાંસદા રાજ્યધોરી માર્ગ ઉપર હાઇવે ચાર રસ્તાથી થાલા, બગલાદેવ સુધીની લંબાઈમાં ચીખલી, સમરોલી અને થાલા એમ ત્રણ જેટલી ગ્રામ પંચાયતનો વિસ્તાર છે ત્યારે સ્ટ્રીટ લાઈટના અભાવે રાત પડતા જ અંધારપટ છવાઈ જતો હોય છે અને નોકરી-ધંધાર્થે અપડાઉન કરતા લોકોને અનેક મુશ્કેલી પડતી હોય છે. જેમાં મહિલાઓને અવગડતા સાથે સુરક્ષા સામે પણ સવાલો ઉભા થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

હાઇવે ચાર રસ્તાથી બગલાદેવ સર્કલ સુધી સ્ટ્રીટ લાઈટ માટેના વર્ષો જુના પ્રશ્ન અંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલે ગંભીરતા દાખવી તેમના ફંડમાંથી ગ્રાન્ટ ફાળવી ત્રણેય ગ્રામ પંચાયતો સાથે સંકલન કરાવી સ્ટ્રીટ લાઈટ નંખાવી ચાલુ કરતા લોકોમાં ખુશી ફેલાઈ હતી પરંતુ હાઇવે ચાર રસ્તાથી બગલાદેવ સર્કલ વચ્ચે સ્ટ્રીટ લાઈટ ચાલુ થયાના થોડા મહિનામાં જ સબંધિત ગ્રામ પંચાયતોની લાલીયાવાડીના પગલે બંધ થઈ છે. હાલ રેફરલ હોસ્પિટલથી બગલાદેવ સુધીની તમામ લાઈટ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. હાઇવે ચાર રસ્તાથી એસટી બસ ડેપો સુધીમાં આઠ અને ડેપો સર્કલ પાસેના ટાવરમાં એક મળી કુલ 9 જેટલી લાઈટ બંધ હાલતમાં છે. લાખોના ખર્ચ બાદ ફરી રાત પડતા જ અંધારપટ છવાઈ રહ્યો છે. ગ્રામ પંચાયતના અંધેર વહીવટ વચ્ચે લોકોને હાલાકી વેઠવાની નોબત આવી છે.

અન્ય સમાચારો પણ છે...