રોષ:ક્ષય વિભાગના કરારબદ્ધ કર્મીઓની આંદોલનની ચીમકી

ચીખલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે ખાતરી આપી છતાં પડતર માંગો ન સ્વીકારી
  • પ્રશ્નો​​​​​​​ ન ઉકેલાય તો15 સપ્ટે.થી પુનઃ લડત આપશે

ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબદ્ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિતિ સમક્ષ લેખિત માંગ કરવામાં આવી છે. પડતર માંગો અંગે તત્કાલ નિર્ણય નહીં લેવાય તો 15મી સપ્ટેમ્બરથી પુનઃ ગાંધી ચીંધ્યા માર્ગે આક્રમક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

ક્ષય વિભાગના જિલ્લાના કર્મચારીઓ દ્વારા ગુજરાત આરએનટીસીપી કરારબદ્ધ કર્મચારી સંઘના પ્રમુખ હેમાંશુ પંડ્યાના નેજા હેઠળ સરકારની આંદોલન નિવારણ સમિતિ સમક્ષ કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે 11મી એપ્રિલના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને એનએચએમના ડાયરેકટર રેમ્યા મોહનની રૂબરૂ મુલાકાત કરતા તેઓએ પડતર માંગોના યોગ્ય ઉકેલ માટે મૌખિક ખાતરી આપી હતી અને તેથી ક્ષય વિભાગના કરારબદ્ધ કર્મચારીઓએ 24 માર્ચથી શરૂ કરેલા આંદોલન સ્થગિત કર્યું હતું.

પરંતુ ત્રણ માસ કરતા વધુ સમય વિતી જવા છતાં પડતર માંગો અંગે યોગ્ય ઉકેલ નહીં આવતા ક્ષય વિભાગના કરારી કર્મચારીઓમાં રોષ અને અવિશ્વાસની લાગણી ઉભી થઈ છે. ક્ષય વિભાગના કરારબદ્ધ કર્મચારીઓની પગાર વધારો, ટીબીએચવીને પેટ્રોલ એલાઉન્સ ઇન સર્વિસ મૃત્યુ સહાયમાં વધારો, કમપેન્શસન સહિતની પડતર માંગણીનો અંગે તત્કાલ નિર્ણય નહીં લેવાય તો 15મી સપ્ટેમ્બરથી પુનઃ ગાંધી રાહે આક્રમક આંદોલન કરવામાં આવશે. જેમાં થનાર જાહેર આરોગ્ય અને દર્દીના હિતને થનાર નુકસાનીની જવાબદારી અધિકારી-પદાધિકારીઓની રહેશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...