ચીખલીના સાદકપોર ગોલવાડમાં રહેતા અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ દંપતીના ઘરે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં પાંચેક જેટલા લૂંટારૂ ત્રાટકી ચપ્પુ તાકી ચલો ખડે હો જાઓ ગડબડ મત કરના અવાજ મત કરના જો કુછ ભી હો વો દિખાવો તેમ કહી ધમકાવી સોનાના દાગીના, રોકડા, મોબાઇલ સહિત 50 હજારની મતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. પોલીસે લૂંટારૂઓના સ્કેચ બનાવી અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.
ચીખલીને અડીને આવેલા સાદકપોરના ગોલવાડમાં ચીખલી ખેરગામ મુખ્ય માર્ગ સ્થિત લક્ષ્મણ નિવાસમાં ફરિયાદી લક્ષ્મણ ઝીણાભાઈ પટેલ (ઉ.વ.65) અને તેમની પત્ની ભીખીબેન પટેલ (ઉ.વ.65) સાથે સોમવારની રાત્રે આઠેક વાગ્યે જમી પરવારીને ટીવી જોઈ રહ્યા હતા.
તે દરમિયાન 8.30 વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખુલ્લો હોય બે અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા અને તેમના કહેવાથી અન્ય ત્રણ જેટલા આવી તેમાંના એકે લક્ષ્મણભાઈને ચપ્પુ મારવા ટાંકી હિન્દીમાં ચલો ખડે હો જાઓ ગડબડ મત કરનાર અવાજ મત કરના જો કુછ ભી હો વો દીખાવો એમ જણાવ્યું હતું.
લક્ષ્મણભાઇએ જણાવેલું કે મારા ગળામાં ચેઇન છે, તે તમને આપી દઉં બીજું મારી પાસે કંઈ નથી. આ દરમિયાન તેમની પત્ની ઉપરના માળેથી નીચે ઉતરી આવતા 24થી 25 વર્ષના અને પાછળ કાળા રંગની બેગ ભેરવેલો ઈસમ દાદર પાસે પહોંચી જઈ તેમનું મોં દબાવી દીધું હતું.
અને તેમની પાસે 30 ગ્રામ વજનની સોનાની ચેઇન, બેડરૂમના પલંગના ગાદલા નીચે મુકેલ 8 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, ટેબલના ખાનામાંથી રૂ. 10 હજાર રોકડા તથા એક બગડેલો સહિત ચાર મોબાઈલ મળી રૂ. 50 હજારની મતાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધર્યા છે.
કોઇને ન જણાવવા પુત્રના સોગંદ ખવડાવ્યા
લૂંટારૂઓએ ઘરમાં પ્રવેશ કરી દરવાજો બંધ કરી દીધો હતો અને લક્ષ્મણભાઈના જણાવ્યાનુસાર ચપ્પુ અને રિવોલ્વર જેવું કંઈક બતાવી ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે તમે અમને હેરાન ન કરો, તમે જતા રહો તેમ છતાં લૂંટારૂઓએ જણાવેલ કે કેશ હોય તો બતાવી દો નહીં તો ઉડાવી દઈશું .
તેમ કહી ધમકાવાનું ચાલુ જ રાખ્યું હતું. ચેઇન-મંગળસૂત્ર રોકડ આપી દીધા બાદ લક્ષ્મણભાઈએ બન્નેને મારી નાંખો એમ કહેતા તેમના પુત્રના સોગન ખવડાવી કોઈને નહીં જણાવવા કહી અને જણાવશો તો મારી નાખીશું તેવી ધમકી આપતા ગયા હતા.
બંગલામાં CCTV અંગે લૂંટારૂઓએ પૂછી લીધુ
લૂંટનો ભોગ બનનાર લક્ષ્મણભાઈ વર્ષોથી ચીખલીમાં લક્ષ્મણ ડેરી ચલાવે છે. તેમના દીકરાઓ પરિવાર સાથે અલગ રહે છે, તેથી આ વૃદ્ધ દંપતી એકલું જ રહેતું હોવાની જાણકારી લૂંટારૂઓને અગાઉથી જ હોય તેમ લાગે છે.
આ બંગલામાં સીસીટીવી કેમેરા છે કે કેમ તે પણ લૂંટારૂઓએ આવતાની સાથે જ પૂછી લીધું હતું. આ લૂંટારૂઓએ જણાવેલુ કે કોઈને જણાવશો તો મારી નાખીશું તેવી ધમકી પણ જતા જતા આપતા ગયા હતા.વધુમાં ત્યાંથી ખેરગામ તરફ થોડી દૂર ચાલતા જ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.