લોકોમાં દહેશત:જોગવાડ ગામે ખેતરમાં દીપડાના ત્રણ બચ્ચા દેખાયા બાદ બીજા દિવસે ગાયબ

ચીખલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીખલીમાં શેરડીની કાપણી શરૂ થતાની સાથે જ દીપડાની જાહેરમાં અવરજવર વધતા લોકોમાં દહેશત

ચીખલી તાલુકામાં શેરડીની કાપણી શરૂ થતાની સાથે જ દીપડાની જાહેરમાં અવરજવર વધી જતા લોકોમાં દહેશત ફેલાવાની સાથે વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવી કવાયત હાથ ધરવામાં આવી છે. જોગવાડ ગામે ખેતરમાં દીપડાના ત્રણ જેટલા બચ્ચા દેખાયા બાદ બીજા દિવસે ગાયબ થઈ જતા દીપડી પોતાના બચ્ચાને લઈ ગઈ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. જંગલોમાંથી દીપડા જેવા વન્ય પ્રાણીઓ સ્થળાંતર કરી ચીખલી વિસ્તારમાં જાણે કાયમી વસવાટ કરી દીધો હોય તેમ દરવર્ષે ચોમાસાની વિદાય બાદ શેરડીની કાપણી શરૂ થતાં શેરડીના ખેતરો ખાલી થતાની સાથે જ દીપડાઓની જાહેરમાં અવરજવર વધી જતી હોય છે.

અન્ય પક્ષી-પ્રાણીઓના મારણના કિસ્સા પણ બહાર આવતા હોય છે. તાજેતરમાં જોગવાડ ગામના કોયા ફળિયામાં સલીમભાઈ માંકડાના ખેતરમાં દીપડીના ત્રણેક બચ્ચા જોવા મળ્યા હતા. આ બચ્ચા બીજા દિવસે ત્યાં જોવા નહીં મળતા તેની માતા રાત્રિ દરમિયાન લઈ ગઈ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. જોકે આ વાત એ વિસ્તારમાં ફેલાતા લોકોમાં ચિંતા ફેલાઇ હતી.

જોગવાડમાં પણ વન વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રધાનપાડા ગામમાં કૂતરાને દીપડો હેરાન કરતો હોવાની જાણ કરાતા વન વિભાગ દ્વારા નિલેશભાઈ છોટુભાઈ પટેલના ખેતરમાં પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ હતી. વધુમાં બે દિવસ પૂર્વે વાંઝણાના નાયકીવાડમાં પણ પાંજરૂ ગોઠવાયું હતું. જોકે વાંઝણામાં કોઈ મારણ કે અન્ય કોઈ ફરિયાદ મળી ન હતી, તેમ છતાં તકેદારીના ભાગરૂપે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હોવાનું ફોરેસ્ટર ઉત્તમભાઈએ જણાવ્યું હતું.

પ્રાણીઓને જંગલમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ થાય એવી ઉઠેલી માગ
વન વિભાગ દ્વારા ચીખલી વિસ્તારમાંથી દીપડાઓ જે પાંજરે પુરાઈ છે તેને જરૂરી સારવાર બાદ સલામત રીતે ડાંગ સહિત જંગલમાં છોડવામાં આવતા હોય છે. આમ છતાં દર વર્ષે આ સિઝનમાં ચીખલી પંથકમાં દીપડાઓ જાહેરમાં લટાર મારતા જોવા મળતા હોય છે. જોકે લોકો પણ સાવચેત રહેતા હોય છે અને ખાસ માનવજાતની જાનહાનિના કિસ્સા બનતા નથી પરંતુ દીપડા જાહેરમાં જોવા મળતા ખેડૂતો ખેતમજૂરોને ખેતરમાં આવાગમનનો ડર રહે છે. પ્રાણીઓને પણ જંગલમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ થાય અને તેઓ પણ જંગલમાં સુરક્ષિત રહે તે દિશામાં કાયમી નિરાકરણ માટે વન વિભાગે કવાયત હાથ ધરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...