ચીખલી તાલુકાનું એક એવુ ગામ જે ગામમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભાઈચારથી વર્ષોથી રહેતા આવ્યા છે. અને આજે પણ રહે છે. ચીખલી તાલુકાનું આલીપોર ગામ જે એક એવુ ગામ છે કે જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે. ગામમાં જૈન દેરાસર આવેલું છે અને અહીં એકપણ જૈન પરિવાર રહેતો નહીં હોવા છતાં ગામમાં આવેલ જૈન દેરાસરમાં હિન્દુ અને મુસ્લિમ ભેગા મળીને તમામ પ્રસંગની ઉજવણી ધામધુમથી કરતા આવ્યા છે. જેથી આલીપોર ગામ હિન્દુ અને મુસ્લિમની એકતાનું પ્રતિક બની ગયું છે.
અયોધ્યા રામમંદિરનો ચૂકાદો આવ્યો હતો ત્યારે આ ચૂકાદાને દેશભરના લોકોએ વધાવી લીધો છે. આ ચૂકાદો આવે એ પહેલા સમગ્ર દેશમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ચીખલીના સેવાભાવી કાર્યકર ભાવિન શાહના જણાવ્યા પ્રમાણે આલીપોર ગામના લોકો આજે ત્રણ પેઢીથી પણ વધુ સમયથી ધાર્મિક એકતાને કારણે જાણીતા બન્યા છે. ચીખલી નેશનલ હાઈવે નં. 48ને અડીને આવેલા આ ગામમાં 90 ટકા મુસ્લિમ પરિવારો વસવાટ કરે છે એમ કહીંએ તો કઈ ખોટું નથી કે આ ગામ મુસ્લિમ સમાજનું જ ગામ છે.
આ ગામમાં 2 મદ્રેસા અને 5 મસ્જીદ પણ આવેલી છે. આ સાથે મુસ્લિમોની વસતી ધરાવતા આ ગામમાં એક જૈન દેરાસર પણ આવેલુ છે. જાણીને આશ્રર્ય થાય કે ગામ જો મુસ્લિમોનુ હોય તો તે ગામમાં જૈન દેરાસર કેવી રીતે ? વાત સાચી છે. જે ગામમાં એકપણ જૈન પરિવાર રહેતો નહીં હોય ત્યાં જૈન દેરાસર કયાંથી આ જૈન દેરાસરનો ઈતિહાસ જુનો છે.
આલીપોર ગામમાં વર્ષો અગાઉ જૈન સમાજના લોકો રહેતા હતા. એ સમયે અહીં જૈન દેરાસર બનાવવામાં આવ્યુ હતું પરંતુ સમય જતા જૈન સમાજના લોકો અન્ય ગામમાં જતા રહ્યા હતા. એ સમયથી એટલે કે અંદાજીત 800 વર્ષથી વધુ સમયથી જૈન દેરાસર આ ગામમાં આવેલું છે. ગામમાં એકપણ જૈન પરિવાર રહેતો નથી પરંતુ મંદિરમાં આજેપણ સેવાપૂજા, અષ્ટપ્રકારની પૂજા, પંચ કલ્યાણ પૂજા, અંતરાય કર્મ પૂજા, નવપદ આરાધના, સ્નાત્ર પૂજા, સમાઇક મંડળ સહિતની પૂજા રાબેતા મુજબ થતી રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.