ચીખલી બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત થયાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં કામ શરૂ નહીં થતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. 3.04 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત 5મીસપ્ટેમ્બરના રોજ થયું હતું. નેશનલ હાઇવે ને અડીને આવેલા ચીખલી બસ સ્ટેન્ડ રાજ્ય આંતરરાજ્ય અને સ્થાનિક બસોના રૂટથી અને મુસાફરોથી ધમધમતું રહે છે.
આ બસ સ્ટેન્ડ અદ્યતન સુવિધાવાળુ બનાવવા માટે જુના બસ સ્ટેન્ડનું ડિમોલીશન કરી નાંખવામાં આવ્યું હતું અને 3.04 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા બસ સ્ટેન્ડના બાંધકામનું ખાતમુહૂર્ત 5મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. 1761 ચો.મી.ના બાંધકામમાં પ્લેટફોર્મ, ડ્રાઇવર-કંડકટર, લેડીઝ કંડકટર રેસ્ટ રૂમ, બેબી ફિડિંગ રૂમ, કેન્ટીન,પાસ રૂમ, કિચન વોટર રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, સ્ટોલ, બેઠક વ્યવસ્થા સાથેનો મુસાફરોનો વેઇટીંગ હોલ,શૌચાલય સહિતની સુવિધાનો સમાવેશ થાય છે.
જોકે હાલ ખાતમુહૂર્ત થવાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં બસ સ્ટેન્ડનું બાંધકામ શરૂ થયું નથી. આ બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 11 માસની છે ત્યારે સમય મર્યાદામાં પૂર્ણ થશે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે. બીજી તરફ હાલ જે બસ સ્ટેન્ડની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમાં વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને હાલાકી વેઠવા પડી રહી છે ત્યારે એસટી તંત્રને મોટા ઉપાડે ખાતમુહૂર્ત બાદ બાંધકામ શરૂ કરવાનું મુહૂર્ત ક્યારે મળશે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.