તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રક એસોસિએશનની હડતાળ:ચીખલીમાં 200 ટ્રકના પૈંડા થંભી ગયા

ચીખલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત સહિતના વિસ્તારની રિટર્ન ગાડીઓ ખનીજ ભરી જતા સ્થાનિકોમાં વ્યાપેલો આક્રોશ
  • ગણદેવી-ચીખલી વિભાગ ટ્રક ઓનર્સ એસો. દ્વારા આવેદન પાઠવી માંગણી પુરી કરવા રજૂઆત કરાઈ હતી

ચીખલીમાંથી સુરત સહિતના વિસ્તારની રિટર્ન ગાડીઓ ખનીજ ભરી જતા સ્થાનિક કાર્ટિંગવાળાના ધંધા-રોજગારને અસર થતી હોવાથી રિટર્ન ગાડીઓમાં ખનીજ નહીં ભરી આપવાની માંગ સાથે ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામતા 200થી વધુ ટ્રકોના પૈડાં થંભી ગયા હતા. પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.

ખાસ કરીને સુરતના હજીરા, મગદલ્લા વિસ્તારમાંથી સિમેન્ટ, કોલસી ભરીને નવસારી, વલસાડ, દમણ, સેલવાસમાં આવતી ટ્રકો રિટર્નમાં ચીખલી વિસ્તારની કવોરીમાંથી કપચી, રબલ, મેટલ સહિતનું ખનીજ સુરત વિસ્તારમાં ભરી જતી હોય છે. બીજી તરફ ચીખલી વિસ્તારની ખનીજ ભરીને જતી ટ્રકો સુરતથી પરત ખાલી ફરે ત્યારે ત્યાંથી સ્થાનિક સંગઠનો દ્વારા કોઈપણ માલસામાન ભરવા દેવામા આવતો નથી. બીજી તરફ ડીઝલના ભાવ પણ આસમાને છે .ઉપરાંત કોરોના કાળમાં પૂરતો ધંધો પણ નથી.

આ પ્રકારની સ્થિતિમાં ચીખલી, ગણદેવી વિસ્તારના ટ્રાન્સપોટરોના ધંધા રોજગાર પર માઠી અસર થતા આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. આ માટે થોડા દિવસ પૂર્વે ગણદેવી-ચીખલી વિભાગ ટ્રક ઓનર્સ એસો. દ્વારા ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી માંગણીનું નિરાકરણ નહીં આવે તો હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ દરમિયાન બુધવારે આલીપોરમાં ચીખલી-વાંસદા રોડ પર 200થી વધુ ટ્રકના પૈડા થંભાવી દઇ એસો. દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ હતું.

મહાદેવ ક્વોરી પાસે ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશભાઈ દેસાઈની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્ટિંગનો વ્યવસાય સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. ટ્રક એસો.ની હડતાળને પગલે ચીખલીના પીઆઈ પી.જી.ચૌધરી, પીએસઆઈ ડી.આર.પઢેરીયા, એસ.વી.આહીર સહિતના ધસી આવી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. આ દરમિયાન ક્વોરી એસો.ના પ્રમુખ સલીમભાઈ પટેલ, ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાજપૂત, ખજાનચી સુરેશભાઈ સહિતના હોદ્દેદારો સાથે પોલીસ દરમિયાનગીરી કરી ટ્રક એસો.ના હોદ્દેદારો સાથે બેઠક કરાવી સુખદ નિરાકરણ માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.

માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે
સ્થાનિકોને ધંધો-રોજગાર અમારી પ્રાથમિકતા છે. ખાલી ગાડીઓ નહીં ભરવાની અમારી માંગણી સંદર્ભે બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ગુરૂવારે ક્વોરી એસોસિએશનની બેઠક યોજી અમારી સાથે વાતચીત કરનાર છે. જેમાં અમારી માંગણી નહીં સંતોષાશે તો હડતાળ ચાલુ જ રાખવામાં આવશે અને જરૂર પડ્યે ચક્કાજામ સહિતના કાર્યક્રમો પણ આપવામાં આવશે. > રાજેન્દ્રસિંહ પરમાર, પ્રમુખ, ટ્રક ઓનર્સ એસો.

અન્ય સમાચારો પણ છે...