નવિનીકરણ:ચીખલીના નગરજનોને અદ્યતન સુવિધાવાળો લાયન્સ ગાર્ડન મળશે

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 23થી 24 લાખના ખર્ચે નવિનીકરણ કરાશે

ચીખલી નગરજનોને અદ્યતન સુવિધાવાળો લાયન્સ ગાર્ડન થોડા મહિનાઓમાં મળશે. ચીખલી ગ્રામ પંચાયત દ્વારા લોકભાગીદારી અને સ્વભંડોળમાંથી 23થી 24 લાખના ખર્ચે નવિનીકરણ કરાશે. ચીખલીમાં લાયન્સ ગાર્ડન છેલ્લા ઘણા સમયથી વેરાન બની ગયો હતો. નવેમ્બર-2016 માં 14-મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી ગાર્ડનને વિકસિત કરવા માટે વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનું નિકંદન કરી નંખાયું હતું અને તે સમયે નક્કર કામગીરીના અભાવે ગાર્ડન ઉજ્જડ બન્યો હતો. ચીખલીમાં લોકોને બેસવા બાળકોના મનોરંજન માટે એકમાત્ર લાયન્સ ગાર્ડનની સુવિધા છે.

વર્તમાન સરપંચ વિરલભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા આ લાયન્સ ગાર્ડનના નવિનીકરણ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ગ્રામ પંચાયતની સ્વભંડોળની ગ્રાંટ ઉપરાંત લાયન્સ કલબ તથા લોકભાગીદારીથી 23થી 24 લાખના ખર્ચે નવિનીકરણ કરવામાં આવશે. જેમાં રમત ગમતના સાધનો, કેન્ટીન,વોક-વે, ફુવારા, બારેમાસ લીલાછમ રહેતા વૃક્ષોનું રોપાણ, લીલીછમ લોન, રંગીન લાઈટ, મેઇન ગેટ તેમજ મિનરલ પાણી અને ટોયલેટ-બાથરૂમની સુવિધા પણ યોગ્ય કરવામાં આવશે. જેથી લોકોને તેનો લાભ મળી શકશે.

તમામ સુવિધાઓ મળે તેવું આયોજન કરાયું છે
ચીખલી લાયન્સ ગાર્ડનનું નવિનીકરણનું કામ હાથ ધરાયું છે. જેમાં લોકોને હરવા-ફરવા સાથે બાળકોને મનોરંજનની તમામ સુવિધાઓ સાથે મળે તે પ્રમાણનું આયોજન કરાયું છે અને ટૂંક સમયમાં ગાર્ડનની કાયાપલટ કરી દેવાશે. > વિરલભાઈ પટેલ, સરપંચ

અન્ય સમાચારો પણ છે...