ચીખલી વિસ્તારની કેટલીક ક્વોરીઓમાંથી સિમેન્ટ કોલસાની રિટર્ન ગાડીઓમાં ખનીજ ભરી અપાતા સ્થાનિક ટ્રક માલિકોના ધંધા રોજગાર પર અસર થતા દક્ષિણ ગુજરાત ચીખલી ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા 4 જાન્યુઆરીના રોજથી હડતાળનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું હતું અને સંખ્યાબંધ ટ્રકોના પૈડા થંભી ગયા હતા.
અને ખનીજના વહન પર અસર થતા વિકાસના કામો પણ પ્રભાવિત થયા હતા. આ દરમિયાન આજે સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં જિલ્લા ક્વોરી એસો.ના પ્રમુખ સલીમભાઈ પટેલ, ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાજપુત મંત્રી વિઠ્ઠલભાઈ ઉપરાંત દેવજીભાઈ ગોંડલીયા કિશોરભાઈ એપીએમસી, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ભાજપના મહામંત્રી ડો.અશ્વિન પટેલ, ભાજપના મયંક પટેલ, મહામંત્રી સમીર પટેલ, સમરોલીના સંજય પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં ક્વોરી એસોસિએશનની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.
બાદમાં ટ્રક એસો.ના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજાઇ હતી. જોકે રિટર્ન ગાડીઓમાં ખનીજ ભરવાના મુદ્દે કોઈ અંતિમ નિર્ણય નહીં આવતા હાલ એક સપ્તાહ સુધી બહારથી આવી ગાડીઓ નહીં બોલાવી તેમાં ખનીજ ન ભરવાનું નક્કી થવા સાથે એક સપ્તાહમાં ફરીથી બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ટ્રક એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો દ્વારા ધારાસભ્ય નરેશભાઈ પટેલ સાથે અલગથી બેઠક યોજી હતી. અને જેમાં ધારાસભ્ય દ્વારા પણ રિટર્ન ગાડીઓમાં ખનીજ ન ભરાઈ અને સ્થાનિક ટ્રક માલિકોના ધંધા રોજગારને અસર નહીં થાય તેવા નિર્ણયની ખાતરી અપાયા બાદ ટ્રક એસોસિએશન દ્વારા હડતાળ સંકેલવાની જાહેરાત કરાતા ફરીથી ટ્રકો દોડતી થઈ ગઈ હતી.
જોકે એક સપ્તાહમાં આખરી નિર્ણય શું આવશે તે જોવું રહ્યું હતું. આમ હડતાળનો અંત આવતા ટ્રક એસો.ના પ્રમુખે ધારાસભ્ય સહિત ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, ભાજપના મયંકભાઈ પટેલ, મહામંત્રી સમીરભાઈ પટેલ, સમરોલીના સંજયભાઈ પટેલ સહિતનાનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.