તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વીજ કંપનીનો રેઢિયાળ કારભાર, અવારનવાર ટ્રીપિંગથી લોકો પરેશાન

ચીખલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીખલીના ખરોલી, કુકેરી સહિતના ગામોમાં ગમે ત્યારે વીજળી ડૂલ થાય છે

રાનકૂવા વીજ કંપનીની કચેરીના રેઢિયાળ કારભાર વચ્ચે પ્રિમોન્સૂનની કામગીરી મંથર ગતિએ કરાતા ખરોલી, કુકેરી સહિતના ગામોમાં અવારનવાર ટ્રીપિંગથી લોકો પરેશાન થઈ ગયા છે. દ.ગુ. વીજ કંપનીની કચેરીનો વહીવટ છેલ્લા ઘણાં સમયથી કથળી ગયો છે. તાઉતે વાવાઝોડું પસાર થયાને 15 દિવસથી વધુ સમય વિતવા છતાં અને હવે ચોમાસાના દિવસો ગણાય રહ્યા હોવા છતાં રાનકુવા કચેરીના અણઘડ વહીવટને પગલે લોકોએ હાડમારી વેઠવાની નોબત આવી રહી છે. હાલ પ્રિમોન્સૂનની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે અને તેમાં પણ નકરી વેઠ ઉતારાતા આ કચેરીના તાબામાં આવતા ખરોલી, સુરખાઈ, કુકેરી સહિતના ગામોમાં અવારનવાર ટ્રીપિંગની સમસ્યા સર્જાઈ રહી છે.

વીજ ધાંધિયાથી માનસિક ત્રાસ વેઠવાની નોબત આવી છે. વધુમાં ધોળીકૂવામાં પેટ્રોલ પંપ સહિતના વાણિજ્ય હેતુના વીજ જોડાણો પણ આવેલા છે ત્યારે વારંવાર ટ્રીપિંગને પગલે ઉપકરણોને પણ નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. કોઈ વાહનમાં પેટ્રોલ-ડીઝલ ભરતી વખતે વારંવારના ટ્રીપિંગથી મોટી સમસ્યા સર્જાય છે. જેથી આ કોમર્શિયલ વીજ જોડાણ ધરાવતા ગ્રાહકોને પણ મુશ્કેલી પડે છે. રાનકૂવા વીજ કંપનીના તાબાના ગામોમાં લોકોને વીજ પુરવઠો મળતો નથી ત્યારે આ માટે વીજ કંપનીના ઇજનેરોની બિનઆવડત વહીવટી કુશળતાનો અભાવ કે પછી કામ નહીં કરી લોકોને વીજળી પુરી પાડવામાં રસ નથી તે સમજાય એમ નથી.

ખરેખર પ્રિમોન્સૂન કામગીરી પણ નક્કર અને સમયસર થાય તો લોકોને ટ્રીપિંગની સમસ્યામાંથી મુક્તિ મળી શકે, પરંતુ આ કામગીરીમાં વેઠ ઉતારાતા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી હોય તેમ લાગે છે. આવી જ સ્થિતિ રહેશે તો લોકો ત્રાસીને રાનકૂવા કચેરીએ મોરચો માંડે તો નવાઈ નહીં.

પવન-લંગરીયાથી ટ્રીપિંગની શક્યતા
પવનના કારણે અને લોકો લંગરિયા જાતે ચઢાવવા જતા ટ્રીપિંગ આવી રહ્યું હશે. પ્રિમોન્સૂનની કામગીરી ચાલુ છે. કોમર્શિયલ વીજ જોડાણમાં પણ અવારનવાર ટ્રીપિંગ માટે તેમણે કારણ શોધવું પડશે. - એન.જી. પટેલ, નાયબ ઈજનેર, રાનકૂવા ડીજીવીસીએલ

અન્ય સમાચારો પણ છે...