તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં રોષ:ખેડૂતોને સબસિડી નહીં ચૂકવી વીજ કંપનીએ મસમોટા બીલ પધરાવ્યા

ચીખલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યશક્તિ કિસાન યોજનામાં અન્યાય થયો હોવાની ખેડૂતોની રાવ
  • વીજ કંપની દ્વારા છેતરપિંડી કરવાના વિરોધમાં ધારાસભ્ય લડત ચલાવશે

ચીખલી તાલુકામાં સૂર્યશક્તિ કિસાન યોજનામાં અન્યાય થયો હોવાની ખેડૂતો દ્વારા ચીખલી-વાંસદાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોને સબસિડી નહીં ચૂકવી મસમોટા બીલો ફટકારી વીજ કંપની દ્વારા છેતરપિંડી કરવાના વિરોધમાં લડત ચલાવવાની ધારાસભ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.ચીખલી તાલુકાના રાનકુવા, ફડવેલ અને ટાંકલ ફિડરના ખેડૂતો સાથે સૂર્યશક્તિ કિસાન યોજના અંતર્ગત રાનકૂવામાં ધારાસભ્ય અનંત પટેલે બેઠક યોજી હતી.

જેમાં ખેડૂતોએ છેલ્લા બે વર્ષ થવા છતાં સોલાર ઉર્જામાંથી વીજ ઉત્પાદન થયું નથી અને ખેડૂતોએ ભરેલા પૈસા તો પાછા આવ્યા નથી. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મસમોટા વીજ બીલો આપવામાં આવ્યા હતા. આ યોજનામાં કેન્દ્ર સરકાર 30 ટકા અને રાજ્ય સરકાર 30 ટકા સબસિડી ચૂકવવાની હતી પરંતુ વર્તમાન સમય સુધી સબસિડી ચૂકવવામાં આવી નથી તેવી રજૂઆત કરી હતી. વધુમાં વીજ કંપનીના અધિકારીઓ દ્વારા ઘરેલુ કનેક્શન પણ બંધ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ હકીકત મુજબની રજૂઆત બાદ ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે ચીખલી તાલુકાના ખેડૂતો સાથે સ્કાય યોજના હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અન્યાય થયો છે.જે સોલાર સિસ્ટમથી ફાયદો થશે એવું જણાવ્યું હતું પરંતુ એજ સોલાર સિસ્ટમને લીધે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ મસમોટા બીલો મોકલાવ્યા હતા અને વકીલ મારફતે નોટીસ પણ મોકલવામાં આવી હતી. ખેડૂતોને દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ છેતર્યા છે. જેના વિરોધમાં આવનાર દિવસોમાં આવેદનપત્ર પાઠવાશે.

અન્ય સમાચારો પણ છે...