ચીખલી તાલુકાની મજીગામ પોસ્ટ ઓફિસમાં કથિત ગોબાચારીમાં પોસ્ટ વિભાગની ટીમો દ્વારા ખાતાધારકોના ઘરે ઘરે જઈને પાસબૂક એકત્ર કરી તપાસ કરવામાં આવી રહી છે. મજીગામ સ્થિત પોસ્ટ ઓફિસમાં મજીગામ અને મલવાડા ગામના 1250 જેટલા લોકો વિવિધ પ્રકારના ખાતાઓ ધરાવે છે. આ પોસ્ટ ઓફિસમાં પાસબુકો કર્મચારીએ પોતાની પાસે જ રાખી હોવાની બાબતે વિવાદ બહાર આવતા ખાતેદારોના ખાતાઓમાંથી મોટી રકમની ખાતેદારો એટલે ગ્રાહકોની જાહેર બહાર લેવડ દેવડ કરી મોટી રકમની ગોબાચારી આચરવામાં આવી હોવાનું કહેવાય છે.
આ સમગ્ર બાબત બહાર આવતા પોસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ કર્મચારીને બચાવવાના કારભારમાં આ કર્મચારી દ્વારા કેટલીક રકમની ભરપાઈ પણ કરી દેવામાં આવી હોવાની ચર્ચા પણ બહાર આવી રહી છે. જોકે આ રકમ જે તે ગ્રાહકોના ખાતામાં ભરી પાસબુકમાં એન્ટ્રી કરી કદાચ સરભર કરવાની દિશામાં પણ કારભાર ચાલતો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત બહાર આવશે. હાલ તો પોસ્ટ વિભાગ દ્વારા ટીમ બનાવી ગ્રાહકોના ઘરેઘરે જઈને પાસબુકો એકત્ર કરી વેરીફાઈ કરવામાં આવી રહી છે.
પરંતુ પાછલા દરવાજે નાણાંની ભરપાઈ કરી સરભર કરી હકીકત પર પડદો પાડી દેવામાં આવે તો નવાઈ નહીં. ચીખલી તાલુકાના મજીગામ પોસ્ટ ઓફિસના કર્મચારીએ પોતાની પાસે પાસબુક રાખી હોવાના વિવાદ બાદ અસરગ્રસ્તોએ આ બાબતે ઉચ્ચ અધિકારીઓને તપાસ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
હાલ 550 પાસબુક વેરીફાઇડ કરાઇ છે
અમારી ટીમ મજીગામમાં ફરે છે અને પાસબુકો ઉઘરાવાનું ચાલુ છે. હાલ 550 જેટલી પાસબુકો વેરીફાઇડ કરાઈ છે, જેમાં કશું આવ્યું નથી. તમામ પાસબુકો આવ્યા બાદ સિસ્ટમમાં ચેક કરાયા બાદ કોઈ ચોક્કસ તારણ કાઢી શકાય. હાલ તપાસ ચાલુ છે. > અંકુરભાઇ જોષી, ચીખલી પોસ્ટઓફિસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.