તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તોની આસ્થા:ફડવેલમાં માનસરોવરના નામે ઓળખાતા આસલ તળાવની આસપાસનું પૌરાણિક કેવડાવન-મંદિર લોકોનું આસ્થાનું કેન્દ્ર

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવની પાળે પવનપુત્ર હનુમાનજી, મરકીમાતા અને સ્વયંભુ જળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે

ચીખલી તાલુકાના ફડવેલમાં રામાયણ કાળથી આવેલ માનસરોવર નામે ઓળખાતા તળાવની આસપાસનું પૌરાણિક કેવડાવન અને મંદિરો આસપાસના લોકો માટે આસ્થાનું કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ફડવેલ ગામે ચીખલી-ઉમરકુઈ મુખ્યમાર્ગને અડીને આસલ તળાવ સ્થાનિકોમાં માનસરોવર નામથી ઓળખાય છે. મોટા વિસ્તારમાં પથરાયેલ આ તળાવ બારેમાસ વિપુલ માત્રામાં પાણીથી છલોછલ રહે છે. જેનાથી ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થવા સાથે આસપાસના બોરકૂવામાં પાણીનું સ્તર પણ જળવાઈ રહે છે.

આ તળાવના કિનારે આશરે એકાદ વીઘા જેટલી જમીનમાં પૌરાણિક કેવડાવન આવેલું છે. આ વનમાં કેવડાના અનેક નાના-મોટા વૃક્ષો આવેલા છે. આ વૃક્ષો મોટા અને ઘટાદાર હોવાથી જ માલુમ પડે છે કે તે વર્ષો પુરાણા છે. સ્વયંભુ ઉછરેલા કેવડાઓની સંખ્યા અહીં વિશેષ હોવાથી લોકો કેવડાવન તરીકે જ ઓળખે છે. ભાદરવા સુદ ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે અને જેનું હિન્દુ ધર્મમાં મહત્ત્વ પણ છે ત્યારે કેવડા ત્રીજના દિવસે તથા અન્ય દિવસોમાં પણ આસપાસના લોકો કેવડાના ફૂલ લેવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. કેવડા ત્રીજના દિવસે ભગવાન ભોળાનાથને કેવડાના ફૂલો ચઢાવતા હોય છે. આ ફૂલોના ઉલ્લેખ શિવ મહાપુરાણમાં પણ હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં કેવડાના ફૂલોનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થતો હોય છે.

કેવડાવન સાથે તળાવની પાળે પવનપુત્ર હનુમાનજી, મરકીમાતા અને સ્વયંભુ જળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. નજીકના અંતરે વર્ષો પુરાણા સામરાદેવ બાપુનું મંદિર પણ આવેલું છે. આ સાથે ગામતળમાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરનું પણ નિર્માણ સ્થાનિકો દ્વારા કરાયું છે. કેવડાવન સાથે આસપાસના મંદિરોમાં અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.

શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં અહીંના મંદિરોમાં ભક્તો દર્શનાથે આવતા હોય છે. હનુમાનદાદાના મંદિરે વર્ષોની પરંપરા મુજબ રક્ષાબંધનના દિવસે સામૂહિક સપ્તાહ પણ યોજાઈ છે. આ સમગ્ર વિસ્તાર એક તીર્થક્ષેત્રે તરીકે ઉભરી આવેલ છે. નવરાત્રિ, વિજયાદશમી જેવા તહેવારો પણ સ્થાનિકો ભક્તિભાવપૂર્વક ઉત્સાહભેર ઉજવે છે.

શિવમહાપુરાણમાં પણ કેવડાના ફૂલનું મહત્વ
ફડવેલ ગામે માનસરોવર તરીકે ઓળખાતા તળાવની પાળે પૌરાણિક કેવડાવન આવેલું છે. કેવડાના ફુલનું મહાત્મ્ય છે અને જેનો ઉલ્લેખ શિવમહાપુરણમાં પણ છે. આ સાથે આસપાસમાં પૌરાણિક મંદિરો પણ છે. જેને પગલે આ વિસ્તાર એક તીર્થક્ષેત્રે તરીકે વિકસિત થઈ રહ્યો છે. > મહેશભાઈ પટેલ, સભ્ય, તા.પં.

અન્ય સમાચારો પણ છે...