ચીખલીમાં દક્ષિણ ગુજરાત ક્વોરી સંચાલકોની યોજાયેલ બેઠકમાં પડતર પ્રશ્નોનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરાયો હતો. નવસારી જિલ્લા ક્વોરી એસો.ના યજમાનપદે દક્ષિણ ગુજરાતના ક્વોરી સંચાલકોની બેઠક ચીખલીમાં યોજાઇ હતી. જેમાં નવસારી જિલ્લાના પ્રમુખ સલીમભાઈ, વલસાડ જિલ્લા ક્વોરી એસોસિએશનના પ્રમુખ મુકેશસિંહ ઠાકોર, તાપી જિલ્લાના પ્રમુખ રમેશભાઈ ફળદુ, સુરત જિલ્લાના પ્રમુખ મનસુખભાઇ ભાલાળા, નવસારી જિલ્લાના ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાજપૂત, મંત્રી વિઠ્ઠલભાઈ ઉપરાંત દેવજીભાઈ ગોંડલીયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.
રાજ્ય ક્વોરી એસો.ના પ્રમુખ હિતેન્દ્રભાઈ ઉપાધ્યાય (કાળુભાઇ)એ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં આપણી લડતને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બ્લેક ટ્રેપની રોયલ્ટી, ઉત્પાદન, વેચાણ બંધ થવા સાથે સરકારના અનેક પ્રોજેક્ટોને અસર થઈ છે અને માલસામાનના અભાવે મુશ્કેલી અનુભવાઈ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણા પ્રશ્નોનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી મક્કમપણે લડત ચાલુ રાખવાની છે.
બેઠકમાં પિયુષભાઈ ગાંધી, યશવંત ધાનાણી, પ્રફુલ પટેલ સહિતના રોડ બિલ્ડરોએ ક્વોરીની હડતાળના કારણે ડામરના હોટમિક્ષ પ્લાન્ટ બાબતેની મુશ્કેલી વર્ણવી ડામર રોડ બનાવવા અંગે રજૂઆત કરતા જ્યાં સુધી હડતાળ નહીં સમેટાઈ, પ્રશ્નોનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બ્લેક ટ્રેપનું ઉત્પાદન વેચાણ બંધ જ રાખવાનું જણાવ્યું હતું. નવસારી જિલ્લા ક્વોરી એસોસિએશનના પ્રમુખ સલીમભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલ જો આપણા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવશે તો આ પ્રશ્નો કાયમી વણઉકેલ્યા રહી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.