તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મરામત જરૂરી:થાલા મત્સ્યબીજ ઉછેર કેન્દ્રના તળાવના પાળા મરામતના અભાવે જર્જરિત બન્યાં

ચીખલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવનારા દિવસોમાં તળાવો બિનઉપયોગી થવાની સર્જાયેલી ભીતિ

ચીખલી નજીક થાલામાં મત્સ્યબીજ ઉછેર કેન્દ્રમાં મરામતના અભાવે તળાવોના પાળા જર્જરિત બન્યા છે. તળાવો બિનઉપયોગી થાય તે પૂર્વે તાકીદે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા મરામત કરવામાં આવે તે જરૂરી જણાય રહ્યું છે.

રાજ્ય સરકારના મત્સ્યઉધોગ વિભાગના તાબામાં થાલા ગામમાં આવેલ મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષકની કચેરીનું મત્સ્યબીજ ઉછેર કેન્દ્ર કાર્યરત છે. જેમાં મત્સ્યબીજના ઉછેર માટે 6 જેટલા પોન્ડ છે. આ તળાવોના પાકા બાંધકામવાળા છે પરંતુ સમયાંતરે જરૂરી મરામતના અભાવે આ પાળાની દિવાલમાં ઠેર ઠેર મસમોટી તિરાડ પડી છે અને પ્લાસ્ટરના પોપડા પણ ઉખડી ગયા છે. કેટલાક તળાવના પાળા તો એકદમ જર્જરિત બન્યાં છે. ઘરઆંગણે રોજગારી માટે મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા માટે થાલાના આ તળાવોમાં મોટાપાયે મત્સ્યબીજનું ઉત્પાદન કરવામાં આવે છે પરંતુ પૂરતી તકેદારીના અભાવે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ કૃત્રિમ તળાવોના પાળાઓ તૂટવાની સ્થિતિમાં જણાઈ રહ્યાં છે. આ ઉપરાંત તળાવોની આસપાસ ઝાડી-ઝાંખરા પણ પૂરતી સાફસફાઈના અભાવે જોવા મળી રહ્યાં છે. વધુમાં વડાપ્રધાનની તસવીર સાથેનું પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનું બોર્ડ પણ સારી સ્થિતિમાં નથી. આ બોર્ડ પર નિલક્રાંતિ થકી અમારી દ્રષ્ટિ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રહેલ અપાર સંભવિતતાને પહોંચી વળવાનો છે અને આપણા મહેનતુ માછીમારો અને મત્સ્ય ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે તેવુ લખાણ છે, પરંતુ સકારાત્મક પરિવર્તન માટે મત્સ્યબીજ ઉછેર માટે પાયાની જરૂરિયાત એવા તળાવોની સ્થિતિ સારી હોય તે જરૂરી છે. તળાવોની પાળાઓની તાકીદે મરામત કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તળાવો બિનઉપયોગી થવા સાથે તેની સીધી અસર મત્સ્યબીજ ઉત્પાદન પર પણ થઈ શકે તેમ છે ત્યારે મત્સ્યદ્યોગ વિભાગ દ્વારા મરામત અને સાફસફાઈની કામગીરી હાથ ધરાઈ તે જરૂરી છે.

પાળાઓની મરામત માટે કાર્યવાહી ચાલુ છે
તળાવના પાળાઓની જરૂરી મરામત માટે પ્લાન એસ્ટીમેટ તૈયાર કરવા માર્ગ મકાન વિભાગને જાણ કરાઈ છે. મંજૂરી મેળવી મરામત કામગીરી હાથ ધરાશે. > જયશ્રીબેન, મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક, ચીખલી થાલા

અન્ય સમાચારો પણ છે...