સંવેદના:શિક્ષકોએ વિદ્યાર્થીને સારવાર અપાવવા માટે રૂ. 2.67 લાખની રકમ એકત્ર કરી માનવતા મહેકાવી

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્રમજીવીનો દાઝી ગયેલો પુત્ર. - Divya Bhaskar
શ્રમજીવીનો દાઝી ગયેલો પુત્ર.
  • ઘોડવણી પ્રા.શાળામાં અભ્યાસ કરતો શ્રમજીવીનો દાઝેલા પુત્રની વહારે ગુરૂજનો

ચીખલી તાલુકાના ઘોડવણી ગામે ખેતરમાં અકસ્માતે દાઝી ગયેલા શ્રમજીવી પરિવારના 11 વર્ષીય દીકરાની સારવાર માટે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા રૂ. 2.67 લાખની રકમ એકત્ર કરી મદદરૂપ થતા પરિવારને મોટી રાહત થઈ હતી. શિક્ષકોએ ફરજ સાથે માનવતાની મહેક પ્રસરાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ફેબ્રુઆરી માસમાં ઘોડવણી પ્રાથમિક શાળામાં ધોરણ-5મા અભ્યાસ કરતો આનંદ મિનેશભાઈ પટેલ તેમના પરિવારના સભ્યો સાથે ખેતરમાં ગયો હતો. જ્યાં કચરો સળગાવવા જતા આગની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયો હતો. તે જોત જોતામાં 50 ટકાથી વધુ દાઝી જતા તેને સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ શ્રમજીવી પરિવાર પર અણધારી આફત આવી પડતા સ્થિતિ કફોડી બની હતી. સારવારના ખર્ચ માટે આ પરિવારે જમીન પણ વેચી દીધી હતી પરંતુ તેમ છતાં પહોંચી શકાય તેમ નહીં હોવાથી સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માટે આ પરિવારે અપીલ કરી હતી.

આ દરમિયાન પોતાના વિદ્યાર્થીની સારવાર માટે શિક્ષકો આગળ આવ્યા હતા. શિક્ષકો દ્વારા આર્થિક રીતે મદદરૂપ થવાની મુહિમ ચલાવતા સારવણી, ગોડથલ, મીયાંઝરી, ફડવેલ, રૂમલા કેન્દ્રના પ્રાથમિક શિક્ષકો અને બીઆરસી, સીઆરસી કો-ઓર્ડિનેટરો મળી કુલ રૂ.2,67,887 જેટલી રકમ મદદ પહોંચાડવામાં આવી હતી.

આ રકમ શિક્ષકો દ્વારા આનંદના પિતાના બેંક ખાતામાં ઓનલાઈન અને રોકડા દ્વારા જમા કરાવાઈ હતી. આમ પ્રાથમિક શિક્ષકો દ્વારા પોતાની ફરજ સાથે સેવાધર્મ પણ નિભાવી માનવતાની મહેક પ્રસરાવતા અનેક લોકોએ શિક્ષકોની ભાવનાને બિરદાવી રહ્યાં છે. હાલ આનંદને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તેની તંદુરસ્તી સારી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...