વિરોધ:ચીખલી તાલુકાના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાશે

ચીખલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીખલી તાલુકાના તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાળમાં જોડાશે. પડતર પ્રશ્નોના મામલે તલાટી મંડળ દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર,ટીડીઓ સહિતનાને આવેદનપત્ર પાઠવી જાણ કરવામાં આવી છે. નવસારી જિલ્લા તલાટી કમ મંડળના નેજા હેઠળ ચીખલી મંડળના પ્રમુખ નિલેશભાઈની આગેવાનીમાં પ્રાંત અધિકારી અમિતભાઇ ચૌધરી, મામલતદાર ડી.એમ.મહાકાળ, ટીડીઓ હિરેન ચૌહાણ સહિતનાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વર્ષ 2018થી સતત લેખિત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

આ અગાઉ 7મી સપ્ટેમ્બર 2021ના રોજ હડતાળનું એલાન કર્યું તે વખતે સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રશ્નોના સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતા હડતાળ મોકૂફ રાખી હતી. આ બાંહેધરીને 9 માસ સમય થવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં એકપણ પ્રશ્નોનો સુખદ ઉકેલ નહીં આવતા રાજ્ય તલાટી મંત્રી મહામંડળની કારોબારી સભામાં થયેલ ઠરાવ મુજબ 2જી ઓગસ્ટથી રાજયના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું નક્કી થયું છે.

ચીખલી સહિત નવસારી જિલ્લાના તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયે કામગીરી તથા 13મી જુલાઈથી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી 2જી ઓગસ્ટને મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળ કરશે. તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાળને પગલે ગામેગામ લોકોના કામો અટકવા સાથે હાલાકી વેઠવાની નોબત આવશે

અન્ય સમાચારો પણ છે...