ધરણાં:ગ્રામ્ય વિસ્તારની 52 રૂટની બસ ચાલુ નહીં થતા ચીખલી કોંગ્રેસ સમિતિના પ્રતિક ધરણાં

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસમાં બસ ચાલુ કરવાની બાંહેધરી આપતા ધરણાં સમેટાયા

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારની બસો ચાલુ કરાવવા માટે પ્રતિક ધરણાં કરવામાં આવ્યા હતા.ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એસટી બસોને કોરોના કાળમાં સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે કોરોના હળવો થઈ ચૂક્યો છે અને જનજીવન પાટે ચઢી રહ્યું છે. આમ છતાં ગ્રામ્ય વિસ્તારોની અંદાજીત 52 જેટલા રૂટની બસો આજદિન સુધી ફરી ચાલુ કરવામાં આવી ન હતી. જેને લઈ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા એસટી વિભાગને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી.

રજૂઆતો છતાં બસો ચાલુ નહીં કરાતા ગુરૂવારે ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એસટી ડેપોની બહાર પ્રતિક ધરણાંનો કાર્યક્રમ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રાખવામાં આવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ શૈલેષ પટેલ, ચીખલી તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભીખુભાઈ ગરાસિયા, એનએસયુઆઈ પ્રમુખ અમિષ પટેલ, ચીખલી તાલુકા પંચાયતના માજી પ્રમુખ નરેન્દ્ર ઉર્ફે જયંતિ પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

એસટી વિભાગના અધિકારીઓ દ્વારા આગામી 15 દિવસમાં આ 52 જેટલા રૂટોની બસોને ચાલુ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. આ અંગે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે એસટી વિભાગ દ્વારા આગામી 15 દિવસમાં આ રૂટો ચાલુ કરવાની ખાતરી આપી છે એટલે ધરણા હાલ સમેટી લેવામાં આવ્યા છે પરંતુ જો આગામી 15 દિવસમાં આ બસોના રૂટો ચાલુ કરવામાં નહીં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...