ચીખલીની ક્વોરીઓમાંથી બહારની ટ્રકો બોલાવી ખનીજનું વહન કરવાના પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ રસ નહીં લેવાતા સ્થાનિક ટ્રક માલિકોની રોજીરોટીને અસર થતા દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા હડતાળનું રણસિંગું ફૂંકાતા બુધવારની સવારથી 500થી વધુ ટ્રકોના પૈડા થંભી જશે. ચીખલી વિસ્તારની કેટલીક ક્વોરીઓમાંથી કોલસા,સિમેન્ટની ખાલી ગાડીઓ (રિટર્ન)માં ખનીજ ભરી અપાતા સપ્ટેમ્બર-2021માં ભારે વિવાદ સર્જાયો હતો.
સ્થાનિક ટ્રક માલિકો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગમવામાં આવતા તત્કાલિન પ્રાંત અધિકારી અને પી.આઈ સહિત નાની મધ્યસ્થીમાં રિટર્ન ટ્રકોમાં ખનીજ નહીં ભરવાનું નક્કી કરાતા મામલો થાળે પડ્યો હતો અને હડતાળનો અંત આવ્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી આ સમાધાનનો ભંગ થતાં ગણદેવી-ચીખલી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા અવારનવાર જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પ્રશ્નનું નિરાકરણ માટે રજૂઆત કરાઈ હતી.
સ્થાનિક અધિકારીઓ દ્વારા રજૂઆતને ધ્યાને નહીં લઈ નજર અંદાજ કરાતા અને નિરાકરણ માટે રસ નહીં દાખવતા સ્થાનિક ટ્રક માલિકોના ધંધા-રોજગાર પર સીધી અસર થતા 4 જાન્યુઆરી બુધવારના રોજથી ફરી હડતાળનું રણશિંગુ ફૂંંકવામાં આવ્યું છે. આ અંગેની જાણ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી સહિતનાને કરી દેવામાં આવી છે. હડતાળના એલાનથી 500થી વધુ ટ્રકોના પૈડા થંભી જશે અને ખનીજના વહન પર અસર થતા વિકાસના કામોને પણ વિપરીત અસર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.