તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં આક્રોશ:ચાપલધરાના દોડીયા ફળિયાના રહીશો પર તોળાતું જોખમ

ચીખલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાનકૂવા વીજ કંપનીની કચેરીમાં રજૂઆત છતાં વીજ લાઇન દૂર કરવાની દરકાર લેવાતી નથી
  • વીજ લાઇન અનેક લોકોના ઘર આંગણામાંથી પસાર થતી હોવા છતાં કાર્યવાહી ન થતાં લોકોમાં આક્રોશ

ચાપલધરા ગામના દોડીયા ફળિયામાં ઘરના આંગણામાંથી પસાર થતી વીજ લાઈન સ્થાનિક રહીશો માટે જોખમી બની છે. વીજ કંપનીની રાનકૂવા કચેરીમાં વારંવારની રજૂઆત છતાં લોકોની સલામતી માટે કોઈ દરકાર લેવાતી નથી.કુકેરીના ચક્કરિયાથી દોડીયા ફળિયા થઇ ધોળીકૂવા તરફ જતી ઘર વપરાશની જ્યોર્તિગ્રામ યોજનાની વીજ લાઈનથી સ્થાનિક રહીશોના જીવ જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ અંગે વારંવાર રજૂઆત છતાં રાનકૂવા વીજ કંપનીના અધિકારીઓ ગંભીરતા લેતા નથી.

ગત વર્ષે ચાપલધરાના દોડીયા ફળિયામાં લગ્ન પ્રસંગમાં મંડપ છોડતી વખતે એક વ્યક્તિને વીજકરંટ પણ લાગ્યો હતો અને ત્યારબાદ આ જોખમી વીજલાઈન ખસેડવા રજૂઆત કરવા છતાં વીજ કંપનીની રાનકૂવા કચેરી દ્વારા જોખમી બનેલી વીજ લાઈન ખસેડવાની તસ્દી લેવામાં આવી નથી. ચક્કરિયાથી દોડીયા ફળિયા ધોળીકૂવા વિસ્તારમાંથી પસાર થતી વીજલાઈન અનેક લોકોના ઘરના આંગણામાંથી પસાર થઇ રહી છે અને કેટલીક જગ્યાએ વીજતાર ઝુલા ખાઇ રહ્યા છે. આ જીવંત વીજતાર ઘરની એકદમ નજીક હોવાથી સ્થાનિકો સલામતી માટે વીજલાઈન ખસેડવાની માંગ કરી રહ્યા છે.

આ નડતરરુપ અને જોખમી વીજલાઈન ખસેડવામાં આવે તો સ્થાનિકોના માથેથી જોખમ ટળી જાય એમ છે પરંતુ વીજકંપની દ્વારા કોઇ કામગીરી આ દિશામાં આજદિન સુધી કરવામાં નહીં આવતાં સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીજ કંપનીના ઇજનેરો આ વિસ્તારમાં કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. લોકોની સલામતીની વાતમાં પણ નિષ્ક્રિયતા દાખવવાના સ્થાને ગંભીરતા દાખવી સત્વરે વીજલાઈન ખસેડવાની તજવીજ હાથ ધરે તે જરૂરી જણાય રહ્યું છે.

લાઇન ખસેડવા રજૂઆત છતાં ખસેડાઇ નથી
અમારા ઘરના આંગણમાંથી પસાર થતી વીજલાઈનથી સતત અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ગત વર્ષે અમારે ત્યાં લગ્ન પ્રસંગમાં પણ મંડપ છોડતી વખતે એક જણાંને કરંટ પણ લાગ્યો હતો. આ નડતરરૂપ વીજલાઈન ખસેડવા રાનકૂવા વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરવા છતાં વીજલાઈન ખસેડાઈ નથી કે સલામતીના પગલાં પણ લેવાયા નથી. - ચેતનસિંહ રાઠોડ, સ્થાનિક

જરૂરી તપાસ કરી કાર્યવાહી હાથ ધરાશે
મને હજુ ચાપલધરાના ફળીયામાંથી પસારથતી લાઇન અંગે જાણકારી નથી. પરંતુ જો દોડીયા ફળિયામાંથી પસાર થતી વીજલાઈનથી જો લોકોના જીવને જોખમ ઉભુ થતું હોય તેવું હશે તો તે અંગે ચોક્કસ તપાસ કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. જેથી કોઇના પણ જીવ પર જોખમ ઉભુ થવાનો ભય ના રહે. - એન.જી. પટેલ, નાયબ ઈજનેર, રાનકૂવા વીજ કંપની

અન્ય સમાચારો પણ છે...