રજૂઆત:ખાંભડા ગ્રામસભામાં પ્રાથમિક શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાય ઇત્તર પ્રવૃત્તિમાં નહીં જોડવા ઠરાવ

ચીખલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોને શિક્ષણ સિવાઇની કામગીરી સોંપવામાં આવતા િવદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી પર અસર થવાનો આક્ષેપ

ખાંભડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભામાં ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાય બીજી પ્રવૃતિઓમાં નહીં જોડવા ઠરાવ પસાર કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય કામગીરીમાં અવાર-નવાર જોડવામાં આવતા તેમની વિદ્યાર્થીઓને ભણાવવાની મૂળ કામગીરી પર વ્યાપક અસર થતી હોય છે. જેને લઈને શિક્ષકોને શિક્ષણ સિવાય બીજી કામગીરીમાં જોતરવામાં નહીં આવે તેવી અવારનવાર રજૂઆતો થતી આવી છે. જોકે તેમાં કોઈ હકારાત્મક પરિણામ જોવા મળી રહ્યું નથી.

આ સ્થિતિમાં તાલુકાના ખાંભડા ગ્રામ પંચાયતની યોજાયેલ ગ્રામસભામાં ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાય બીજી ઇતર પ્રવૃતિમાં નહીં જોડવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. બાળકોના શિક્ષણ પર માઠી અસર નહીં થાય તે માટે ખાંભડાના ગ્રામજનો દ્વારા એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સ્તર, ગુણવત્તા સુધારવાની આ પહેલને સ્થાનિકો આવકારી રહ્યા છે.

ખાંભડા ગામે શિક્ષણ પ્રત્યે વિશેષ જાગૃતિ લોકોમાં સ્થાનિક આગેવાનોમાં જોવા મળી રહી છે. હાલ થોડા સમય પૂર્વે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આગેવાનોના સહયોગથી ગામના શિક્ષિત યુવાનો દ્વારા ગામની દૂધ ડેરીના મકાનમાં લાઈબ્રેરી પણ શરૂ કરવામાં આવી છે.

બાળકોના શિક્ષણ પર તેની વિપરીત અસર થાય છે
શાળાના શિક્ષકો પાસે સરકાર દ્વારા વર્ષ દરમિયાન શિક્ષણ સિવાય બીજી પ્રવૃતિઓ કરાવાતી હોય છે. જેને પગલે બાળકોના શિક્ષણ પર તેની વિપરીત અસર થાય છે. શિક્ષકોને બીજી ઇતર પ્રવૃતિમાં જોડવામાં નહીં આવે તે માટે અમે ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પાસ કરી રજૂઆતો કરી છે અને અમારી પહેલને અન્ય ગામો પણ અનુસરે તેવી આશા સેવી રહ્યાં છે. - રમેશભાઈ, ખાંભડા

અન્ય સમાચારો પણ છે...