ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં મૃતક યુવાનોના ન્યાય માટે 9મી ઓગસ્ટે પુન: ચીખલી પોલીસ મથકનો ઘેરાવો કરવાની ચીમકી આપવામાં આવી હતી. જેને લઈ ખલી તાલુકા વિસ્તારના પોલીસ મથક અને આઉટપોસ્ટમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે દિવસ દરમિયાન કોઈ પણ આદિવાસી અગ્રણીઓ કે કોઈ વ્યક્તિ નહીં આવતા પોલીસબેડામાં રાહતની લાગણી ફેલાઈ હતી.
ચીખલી પોલીસ મથકના કમ્પ્યૂટર રૂમમાં 21મી જુલાઈ બુધવારે વહેલી સવારે ચોરીની શંકામાં જે તે સમયે સ્ટેશન ડાયરીમાં નોંધ કર્યા વિના રાખવામાં આવેલા વઘઇના 19 વર્ષીય બે આદિવાસી યુવક ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. આ બનાવના સાત દિવસ બાદ પોલીસે પીઆઇ-અજીતસિંહ વાળા, કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, રવિન્દ્ર રાઠોડ સહિત 6થી વધુ સામે હત્યા, એટ્રોસિટી એક્ટ અને અપહરણ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જોકે આરોપી નહીં પકડાતા ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો પોલીસ મથકે ધસી આવી આરોપીઓની ધરપકડની માંગ સાથે પોલીસ મથક પાસે બેસી ગયા હતા અને પોલીસનો હુરિયો પણ બોલાવાયો હતો. ધારાસભ્ય અનંત પટેલ સહિતના કેટલાક આગેવાનો દ્વારા આરોપીઓની ધરપકડ નહીં કરાઇ તો 9મી ઓગસ્ટે રાજ્યભરમાંથી સમાજના લોકો ચીખલી મથકે જવાબ લેવા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી
પરંતુ 9મી ઓગસ્ટે એકપણ આગેવાન પોલીસ મથકે આવ્યાં ન હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે શનિવારે એસપીએ ચીખલી આવી આગેવાનો સાથે રૂબરૂ વાત કર્યા બાદ ટોળું વિખેરાય ગયું હતું. જોકે તે વખતે આદિવાસી આગેવાનોની ચીમકીને પોલીસે ગંભીરતાથી લઈ સુરખાઈ, રાનકૂવામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને મોડી સાંજ સુધી પોલીસમાં ઉચાટ યથાવત રહ્યો હતો. પોલીસ મથકે ટોળું ગમે તે સમયે આવી શકે તેવી દહેશત વ્યાપી ગઈ હતી. એક પણ આગેવાન પોલીસ મથકે જોવા ન મળતા પોલીસ બેડામાં રાહત અનુભવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.