ચીખલી સહિત જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. હાલ જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓ પેન ડાઉનનો કાર્યક્રમ આપી રહ્યાં છે.
નવસારી જિલ્લામાં આરોગ્ય મંડળના પ્રમુખ યોગેશભાઈ, સહમંત્રી ક્રિમાબેન ઉપરાંત ફડવેલ પીએચસીના સુપરવાઈઝર અરૂણભાઈ સહિતના દ્વારા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની રૂબરૂ મુલાકાત કરી રાજ્યભરના જે આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો અને માંગણીને લઈને ચાલી રહેલા આંદોલન બાબતે વિસ્તૃત ચર્ચા કરી છેલ્લા ત્રણેક વર્ષથી સતત આરોગ્ય કર્મચારીઓને થઈ રહેલા અન્યાય બાબતે રજૂઆત કરી હતી. વખતોવખત સરકારમાં રજૂઆત કરતા સરકાર દ્વારા લેખિતમાં બાંહેધરી આપવા છતાં એ બાંહેધરીનો અમલ કર્યો નથી.
આરોગ્ય કર્મચારીઓને હાલ 1900નો ગ્રેડ પે મળે છે એ 2800નો ગ્રેડ પે મળવો જોઈએ, હાલ મળતો ગ્રેડ પે અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણો ઓછો છે. જેથી 2800નો ગ્રેડ પે મળવો જોઈએ સહિતની વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે આરોગ્ય કર્મચારીઓની માંગણી સંદર્ભે હકારાત્મક નિરાકરણના પ્રયત્નો હાથ ધરવાની હૈયાધરપત આપી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા આ સાથે નાણામંત્રીના સચિવ નિરવભાઈ પટેલ સમક્ષ પણ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. હાલ જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓએ રિપોર્ટિંગ બંધ કરી પેન ડાઉન કરી લડત ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.