હોબાળો:બાવળના ઝાડો કાપવાના િવરોધમાં સરપંચપતિ સામે પોલીસ મથકે રાવ

ચીખલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબાચ ગ્રામ પંચાયતમાં હરાજી દરમિયાન હોબાળો થયો હતો

અંબાચ ગામે ગ્રામ પંચાયત હસ્તકની મિલકતમાંથી બાવળના ઝાડો કાપવા અંગે સર્જાયેલા વિવાદમાં સ્થાનિક આગેવાનો દ્વારા સરપંચપતિ વિરુદ્ધ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અંબાચ ગામના સુરેશ હરજીભાઈ પટેલે પોલીસ મથકે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેમના સગાભાઈ સંજયભાઈની પત્ની નયનાબેન ગામના સરપંચ છે પરંતુ મોટેભાગે સરપંચની ખુરશી ઉપર સરપંચપતિ બેસીને તલાટી તથા બીજા કર્મચારીઓ ઉપર આદેશો કરી મનસ્વી રીતે નિર્ણય લેતા આવ્યાં છે.

થોડા સમય પહેલા વોર્ડ નંબર-3ના વિસ્તારમાંથી ગ્રામ પંચાયત હસ્તકની મિલકતમાંથી પોતાની રીતે મનસ્વીપણે બાવળના ઝાડ કાપવાનો આદેશ કરી કાપવાનું શરૂ પણ કરી દેતા ગામમાં વિરોધ થયો હતો. જેથી અડધા ઝાડો કપાયા બાદ પરવાનગી માટે તજવીજ કરી અને ફક્ત એક જ દિવસના અંતરે જાહેર નોટીસ બોર્ડ ઉપર લગાવી 7મી જૂન 2022ના રોજ મનસ્વી રીતે હરાજી રાખેલી ત્યારે હરાજી શરૂ કરતા પહેલા વોર્ડ નંબર-3ના સભ્ય ભાસ્કરભાઈ પટેલે સરપંચ નયનાબેનને તમે જે ઝાડો કાપેલા તેની લેખિત જાણ વોર્ડ સભ્યોને કરી નથી. તે વખતે સરપંચ કંઈપણ બોલે તે પહેલા સરપંચપતિએ જણાવેલું કે હું સરપંચ છું, હું મારું ધારેલું જ કરીશ. તમારાથી થાય તે કરી લેજો.

આમ હરાજીનો સમયે ઉગ્ર વિવાદ સર્જાતા રજૂઆતકર્તાનો કોલર પકડી લઈ તેમની સાથેના માણસો મારફત મારવાની કોશિશ કરી હતી અને પોતાની સાથે અસામાજીક તત્વોને સાથે રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેથી તેમની જાનનું જોખમ છે. તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અંબાચ ગ્રામ પંચાયત કચેરીમાં ગતરોજ બાવળની હરાજી દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. એક સમયે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું, જે અંગેનો વિડીયો પણ વહેતો થતાં આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે પોલીસ કેવા પગલાં ભરશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...