વિદ્યાર્થી-વાલીઓ કફોડી સ્થિતિમાં:બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના સમયે રિપિટર છાત્રોના પ્રવેશ રદથી વાલી-છાત્રોની કફોડી સ્થિતિ

ચીખલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશ અપાયાને 5 મહિના બાદ ડીઇઓ કચેરીને ધ્યાનમાં આવતા પ્રવેશ રદ કરી દેવાયો

ચીખલી સહિત નવસારી જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-10 અને 12ના રિપિટર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયાને પાંચ મહિના બાદ ડીઈઓ કચેરીને ધ્યાનમાં આવતા બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના સમયે ડીઈઓ કચેરીના આદેશથી પ્રવેશ રદ કરાતા વિદ્યાર્થી-વાલીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે.

ચીખલી તાલુકા સહિત નવસારી જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ગત વર્ષે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓએ નિયમિત રિપિટર વિદ્યાર્થીઓ તરીકે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આવા વિદ્યાર્થીઓ જૂન માસમાં પ્રવેશ મેળવ્યા બાદ નવેમ્બર માસ સુધી શાળામાં અભ્યાસ અર્થે નિયમિત જતા હતા. હાલ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તજવીજ હાથ ધરાઈ છે તેવા સમયે રિપિટર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયાના પાંચ મહિના બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને ધ્યાને આવતા જિલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી આવા તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓની હાલત કફોડી બની છે.

રિપિટર વિદ્યાર્થીઓનો પ્રવેશ નિયમ વિરૂદ્ધનો હતો તો પાંચ-પાંચ મહિના સુધી ડીઈઓ કચેરીના ધ્યાને કેમ ન આવ્યું ? પાંચ મહિના સુધી કોની રાહ જોવાઇ ? સરકાર વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે ખાસ ભાર મૂકી વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પ્રયત્નશીલ રહેતી હોય છે ત્યારે નવસારી ડીઈઓ કચેરીના બેદરકારીભર્યા વહીવટમાં સરકારના હેતુ પર પાણી ફરી વળવા સાથે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

હવે વિદ્યાર્થીઓ જે તે વિષયમાં નાપાસ થયા હશે તે વિષયની જ પરીક્ષા આપી શકાશે અને 5 મહિના સુધીની મહેનત ખર્ચ પણ માથે પડશે તેવો ઘાટ સર્જાયો છે. આચાર્યો પાસે શરતચૂકથી પ્રવેશ આપી દેવાયો હોવાની નોંધ પણ કરાવાઈ હોવાનું જાણવા મળ્યું હતું અને જેમાં રજીસ્ટરમાં છેકછાક પણ કરવાની આચાર્યોને નોબત આવી છે. ડીઈઓ કચેરીની બેદરકારીને પગલે વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે આચાર્યોની પણ સ્થિતિ કફોડી બની છે.

SIT નંબર જનરેટ થયો હોવાથી શક્ય નથી
રિપીટર વિદ્યાર્થીઓ હાલમાં જે શાળામાં નવા પ્રવેશથી અભ્યાસ કરી બોર્ડના ફોર્મ ભર્યા છે. તે નિયમ પ્રમાણે યોગ્ય નથી આવા વિદ્યાર્થીઓનો SIT નંબર બોર્ડમાં જનરેટ થઇ ગયો હોય તેઓ રિપીટર જ ગણાતા હોય નવો પ્રવેશ માન્ય નથી. રિપીટર વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય તે અથવા તો તમામ વિષયની પરીક્ષા આપી શકે છે પરંતુ તે છાત્રોને નવા વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપી ન શકાય. >રાજશ્રી ટંડેલ, ડીઈઓ, નવસારી

અન્ય સમાચારો પણ છે...