નવસારી જિલ્લા પોલીસ દ્વારા નવસારી અને ચીખલીમાં યોજાયેલા લોક દરબારમાં સરકારના વ્યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો હતો. સાથે બેંક અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના અધિકારીઓ દ્વારા નાણાં ધીરધારના વ્યવસાય અંગે કાયદાકીય પ્રક્રિયા અને લોન અંગેની માહિતી પણ પ્રદાન કરવામાં આવી હતી. જો કે માત્ર 7 જ ફરિયાદ આવતા એસપીએ ભોગ બનનારાઓને આગળ આવવા અનુરોધ કરવો પડ્યો હતો.
નવસારી જિલ્લા પોલીસવડા ડો.ઋષિકેશ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને નવસારી અને ચીખલીમાં ડીવાયએસપી એસ.કે.રાય, તથા નવસારી એસસી-એસટી નાયબ પોલીસ અધિક્ષક એન.પી.ગોહિલ તેમજ નવસારી જિલ્લા રજિસ્ટ્રાર હરેશ કાછડ સહિત આસપાસના પોલીસ મથકોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા લોક દરબારમાં બેંકના પ્રતિનિધિ દ્વારા વ્યવસાયકારો માટે સરકારની મુદ્રા લોન સહિતની લોન યોજનાની ઉપસ્થિતોને જાણકારી અપાઇ હતી. જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા નાણા ધીરધારના વ્યવસાય માટે સરકારમાંથી લાયસન્સ મેળવવું ફરજિયાત છે.
અને લાયસન્સ મેળવ્યા બાદ સરકાર દ્વારા વખતોવખત નક્કી કરેલા દર મુજબ વ્યાજ લેવાનું હોય છે. સરકાર દ્વારા નિયત કરાયેલા વ્યાજના દર કરતા વધુ વ્યાજ લઈ શકાતું નથી અને લાયસન્સ વિના કોઈ વ્યક્તિ વ્યાજનો ધંધો કરતો હોય તો તે ગેરકાયદેસર છે. હજુ પણ આ દુષણ અંગે કોઈ ફરિયાદ કરવા આગળ આવતું નથી, તેઓને આગળ આવવા એસપી. ઋષિકેશ ઉપાધ્યાયે અપીલ કરી હતી.
ગેરકાયદે વ્યાજ વસૂલનારાઓને ખુલ્લા પાડવા લોકો આગળ આવે
સપ્તાહથી વ્યાજખોર સામે સરકારી ઝુંબેશ અંતર્ગત ડમી નહીં પણ નક્કર ફરિયાદ કરવામાં આવી રહી છે. ઇલલીગલ મની લેન્ડરીંગ એ સમાજનું દુષણ છે. જેને દૂર કરવા હજુ પણ લોકો પોલીસ સામે આવી રહ્યા નથી, એક ગેપ છે.
જેમાં લોકો પોતે આ દુષણ દૂર કરવા માટે મને મળે, નજીકના પોલીસ સ્ટેશને મળે, અધિકારીઓને મળે એવી અપીલ કરું છું. ગેરકાયદેસર રીતે નાણા ધીરધારનો વ્યવસાય કરી વ્યાજ વસૂલનારાઓને ખુલ્લા પાડવા માટે કોઈપણ જાતના ડર અને સંકોચ રાખ્યા વિના આગળ આવો.> ઋષિકેશ ઉપાધ્યાય, એસપી, નવસારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.