સમસ્યા:ચીખલી તાલુકામાં ટ્રાન્સપોર્ટેશનના વાહન માલિકો 4 માસથી નાણાંથી વંચિત

ચીખલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શાળાઓમાં છાત્રો માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અાપવામાં આવે છે

ચીખલી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડતા વાહનમાલિકોને છેલ્લા ચાર માસથી નાણાં નહીં ચૂકવવામાં આવતા વાહન માલિકોમાં રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં નાણાં નહીં ચૂકવવામાં આવે તો વાહનો બંધ કરી દેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ચીખલી તાલુકામાં હાલ 49 જેટલી પ્રાથમિક શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જે વાહનચાલકોને છેલ્લા ચાર માસથી નાણાં નહીં ચૂકવવામાં આવતા વાહનચાલકોની સ્થિતિ કફોડી થઈ છે. સર્વશિક્ષા અભિયાન અંતર્ગત ધોરણ-1 થી 5ના વિદ્યાર્થીઓ માટે એક કિલોમીટરથી અને 6 થી 8 વિદ્યાર્થીઓ માટે ત્રણ કિલોમીટરના અંતર માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે અને વાહનચાલકોને વિદ્યાર્થી દીઠ રૂ. 15ની ચૂકવણી કરવામાં આવે છે. તાલુકામાં હાલ 49 જેટલી પ્રાથમિક શાળામાં આ સુવિધા ઉપલબ્ધ છે.

આ તમામ શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડતા વાહનચાલકોને છેલ્લા ચાર માસથી નાણાંની ચૂકવણી કરવામાં આવી નથી. વાહન માલિકો દ્વારા આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં નાણાં નહીં ચૂકવવામાં આવતા આગામી દિવસોમાં વાહનો બંધ કરી દેવાની પણ ચીમકી વાહન માલિકો દ્વારા શાળાના આચાર્યને આપવામાં આવી રહી છે. જિલ્લાના શિક્ષણ વિભાગના અણઘડ કારભાર વચ્ચે વાહનો બંધ થઇ જશે તો જે તે શાળામાં દૂરના અંતરથી આવતા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે શિક્ષણ પર અસર થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...