થાલામાં બગલાદેવ સર્કલથી હાઇવે ને જોડતા આંતરિક માર્ગ પર ગુજરાત ગેસ દ્વારા પાઇપ લાઇન નાંખવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. ગેસ કંપની દ્વારા ગ્રામ પંચાયતને કામગીરી હાથ ધરવાના છે તેવી માત્ર લેખિત જાણ કરી હતી પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આ લેખિત જાણની અરજી પર સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરી યોગ્ય કરવામાં આવશે તેવી નોંધ મારવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ જાતની મંજૂરી આપવામાં આવી ન હતી, તેમ છતાં ગુજરાત ગેસની એજન્સી દ્વારા અવારનવાર માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી અધિક ખોદકામ કરતા પાણીની પાઇપ લાઇન ઠેર ઠેર તૂટી જતા લોકોના ઘરોમાં પાણી પણ નિયમિત પહોંચી રહ્યું નથી.
જેને લઈને ગ્રામ પંચાયત ને પણ મોટું આર્થિક નુકસાન થવા સાથે લોકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે. ગેસ કંપનીના આ કારભારને પગલે સ્થાનિકોએ ગ્રામ પંચાયતના શાસકોને રજૂઆત કરતા શાસકો દ્વારા ગુજરાત ગેસની નાંદરખા સ્થિત કચેરીએ જઇને ખોદકામથી પાણીની પાઇપલાઇન અને પેવર બ્લોક જેવા કામોને વ્યાપક નુકસાન થયું હોય એ અંગે ચર્ચા નહીં થાય ત્યાં સુધી કામ બંધ રાખવાની રજૂઆત બાદ પણ ગુજરાત ગેસ દ્વારા ધરાર કામ ચાલુ જ રાખવામાં આવ્યું હતું.
માર્ગ-મકાન અને સિંચાઈ વિભાગની મંજૂરી લેવાઇ તો ગ્રા.પં.ની કેમ નહીં ?
ગુજરાત ગેસ દ્વારા રસ્તા અને વચ્ચેથી પસાર થતી નહેરના નુકસાન અંગે માર્ગ મકાન અને સિંચાઈ વિભાગમાં જરૂરી નાણાં ભરી મંજૂરી મેળવાઈ હતી ત્યારે ગ્રામ પંચાયત ને ઠેંગો બતાવવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામ પંચાયતને થયેલ નુકસાનનું શું ? માર્ગ મકાન અને સિંચાઈ વિભાગની મંજૂરી લેવાઈ તો ગ્રામ પંચાયતની મંજૂરી કેમ ન લેવાઇ ? તેવા અનેક સવાલો ઉભા થયા છે.
જગ્યા સમતળ કરી આપવાની મૌખિક બાંહેધરી આપવામાં આવી છે
થાલામાં ગુજરાત ગેસ દ્વારા ખોદકામ કરાઈ રહ્યું છે. તેમાં ગ્રામ પંચાયતે મંજૂરી આપી નથી અને નુકસાન બાબતે પંચાયત બોડી સાથે ગુજરાત ગેસની કચેરીએ રજૂઆત કરતા બધુ સરખું કરી આપવાની મૌખિક બાંહેધરી આપી છે.> નિલેશભાઇ , તલાટી કમ મંત્રી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.