તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:આલીપોર નજીક એક પછી એક 4 વાહન ભટકાયા, બેના ઘટનાસ્થળે મૃત્યુ

ચીખલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માતની હારમાળા સર્જાઇ

ચીખલીના આલીપોર પાસે એકસાથે ચાર વાહનનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેના મોત નીપજ્યા હતા. આ ઘટનાના પગલે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક જામ થઇ જતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે ધસી જઇ ટ્રાફિક જામને હળવો કરવા પ્રયાસ હાથ ધર્યો હતો.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના આલીપોર પાસે મુંબઈ થી સુરત તરફ જતા ટ્રેક ઉપર આલીપોર હોસ્પિટલ સામે ઓવરબ્રિજના છેડે ટ્રકના ચાલકે પોતાના વાહનને અચાનક બ્રેક મારતા એક પછી એક ચાર જેટલા વાહનો ભટકાયા હતા. જોકે અચાનક બ્રેક મારનાર ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. આલીપોર ઓવરબ્રિજ ઉતરતી વખતે નવસારી તરફ જઈ રહેલી ટ્રક (નં. આરજે-14-જીઇ-6227)ના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી નંબર વગરના આઇસર ટેમ્પોના ચાલકે પણ બ્રેક મારી હતી. જેની પાછળ નવસારી ભેંસ લઈને જઇ રહેલી પિકઅપ (નં. જીજે-21-ડબ્લ્યુ-5279)એ બ્રેક મારી હતી અને તેની પાછળ અજાણ્યા ટ્રકના ચાલકે પીકઅપને પાછળથી અડફેટે લેતા કેટલાક ફૂટ આગળ ધસડી જતા પીકઅપ સેન્ડવીચ થઈ ગઈ હતી.

આલીપોર હાઇવે ઓવરબ્રિજના છેડે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને પગલે આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી. આ અકસ્માતને પગલે અટકી ગયેલો વાહન વ્યવહારને ફરી શરૂ કર્યો હતો. આ અકસ્માતમાં પીકઅપમાં સવાર રિતેશ રામુભાઈ આહીર (રહે. મંદિર, આહીરવાસ, જલાલપોર, નવસારી) તથા કિશન ભગુભાઈ હળપતિ (રહે. બંધિયા ફળિયું, જલાલપોર, નવસારી)ના મોત નીપજ્યા હતા.

પીકઅપનો આગળનો ભાગ ટ્રકમાં ઘુસી જતા પોલીસે ક્રેઇનની મદદથી અલગ કર્યો હતો. ઉપરાંત પીકઅપમાં બે જેટલી ભેંસ હતી તેને પણ અકસ્માતમાં ઇજા થઇ હતી. જ્યારે આઇસર ટેમ્પોના ક્લીનરને પણ ઇજા થતાં સારવાર અર્થે આલીપોર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...