જાળવણીનો અભાવ:ચીખલી-વાંસદા સ્ટેટ હાઇવે પર આવેલા ગામોના મોટાભાગના પીકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં

ચીખલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોખમી બનેલા પીકઅપ સ્ટેન્ડની મરામત અંગે તંત્રની બેદરકારી, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે મોટો સવાલ

ચીખલી-વાંસદા સ્ટેટ હાઈવેના કેટલાક ગામોમાં પીકઅપ બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષથી ખંડેર અવસ્થાને પગલે બિનઉપયોગી બન્યા છે. મુસાફર વર્ગ માટે માથાનો દુઃખાવો સમાન બન્યા છે. જેને લઈને અંતરિયાળ વિસ્તારના લોકોમાં યોગ્ય કામગીરી થાય તેવી માગ ઉઠી છે.

ચીખલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના સમાવિષ્ટ ગામો જોકે, મુખ્ય માર્ગથી પીકઅપ 1થી 2 કિમી દુર આવેલ આ ગામ હોવાથી ગામની પ્રજા માટે પીકઅપ બસ સ્ટેન્ડની અગત્યતા વધી જાય છે. આ ઉપરાંત આ સ્ટેન્ડથી અંદરના ગામડામાં રહેતા લોકોને 3-4 કિમી અંતરે ત્યાંના લોકોએ દુરથી બસ કે વાહનો પકડવા માટે પગે ચાલીને આવવું પડતું હોય છે. અહીંની પ્રજા માટે પીકઅપ સ્ટેન્ડ બિન ઉપયોગી બન્યા હોવાથી મુસાફરોની સતત મુશ્કેલી વધી રહી છે. ખાસ કરીને હાઇવે પર મોટાભાગના પીકઅપ સ્ટેન્ડની ખંડેરતાને પગલે અંદરના ભાગે પ્રવેશ કરવામાં પણ મુસાફરોને ભય અનુભવાય છે. જોકે, ચોમાસા જેવા દિવસોમાં મજબૂરીવશ અંદર બેસવાની નોબત આવે છે પરંતુ તૂટેલી છતને કારણે અંદર સહારો લેવાનો પ્રયાસ પણ વ્યર્થ બને છે. જ્યારે અંતરિયાળ વિસ્તારમાં ઘણાં પીકઅપ સ્ટેન્ડ ખંડેર હાલતમાં છે, તેમ છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. પીકઅપ સ્ટેન્ડ જર્જરિત બનતા આમજનતા માટે બિનઉપયોગી અને વધુ જોખમી બને તે પહેલા જ તેનું રિપેરિંગ કાર્ય થાય તેવી લોકમાગ ઉઠી છે.

આસપાસના ગામવાસીઓ પણ અહીંથી મુસાફરી કરે છે
રાનકૂવાના સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું કે આ પીક અપ સ્ટેન્ડમાં વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને રાનકૂવા એ સતત વિકસતું ગામ છે. આજુબાજુના 10થી 15 ગામના લોકો અહીંથી મુસાફરી કરે છે.

તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય તે ખૂબ જરૂરી
પીકઅપ સ્ટેન્ડમાં ઉપરથી તૂટી ગયેલા પતરાઓ ઉપરાંત બેઠક વ્યવસ્થા પણ તૂટીને નષ્ટ થઈ જતાં તેમાં પ્રવેશી સહારો લેવો મુશ્કેલ છે. જેને પગલે લોકોએ મુશ્કેલી પડતી હોવા છતાં રોડની બાજુમાં તડકામાં ઉભા રહેવું પડે છે ત્યારે પ્રજાના હિતમાં ઝડપી કાર્યવાહી થાય તે જરૂરી છે.

વિદ્યાર્થીઓ બારેમાસ મુશ્કેલી વેઠી રહ્યાં છે
ગામના લોકો તાલુકા મથકે કે અન્ય કામ ધંધાર્થો મુસાફરી કરતી વેળા આ ખંડેર પીકઅપ સ્ટેન્ડને લીધે મુસાફરો પરેશાન થઈ જતા હોય છે. બારેમાસ અપડાઉન કરતા કોલેજ કે આઈટીઆઈમાં ભણતા વિદ્યાર્થીઓ તો બારેમાસ મુશ્કેલી વચ્ચે મુસાફરી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...