તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળ યથાવત:ચીખલીમાં ટ્રક ઓનર્સ અને કવોરી એસોસિએશનની બેઠક અનિર્ણીત

ચીખલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકના માલિકોનો આગામી દિવસોમાં પણ હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય

ચીખલીમાં ટ્રક ઓનર્સ એસોસિએશન અને કવોરી એસોસિએશનની બેઠક નિષ્ફળ જતા ટ્રક માલિકોની હડતાળ યથાવત રહી છે.દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતનાની આગેવાનીમાં 200થી વધુ ટ્રકોના પૈડાં થંભાવી દઇ છેલ્લા બે દિવસથી હડતાળ પાડવામાં આવી છે. સુરત વિસ્તારમાંથી આવતી ટ્રકો પરત જતી વખતે રિટર્નમાં ચીખલી વિસ્તારની કવોરીમાંથી ખનીજ ભરી જતા સ્થાનિક ટ્રાન્સપોર્ટરોના ધંધા-રોજગાર પર અસર થતા આ રિટર્ન ગાડીઓમાં ખનીજ ભરી જવાના વિરોધમાં હડતાળ પડાઈ હતી.

બુધવારે ચીખલી-વાંસદા રોડ સ્થિત હડતાળના સ્થળે વહેલી સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને હડતાળના સ્થળે પહોંચેલા ડીવાયએસપી ફળદુએ મધ્યસ્થી કરી કવોરી એસો.ના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ગુરૂવારે કવોરી એસો. દ્વારા બેઠક કરી ત્યારબાદ ટ્રક એસો.ના હોદ્દેદારોને બોલાવી બેઠક યોજાઇ હતી. આ બેઠક નિષ્ફળ રહેતા ડીવાયએસપી ફળદુની મધ્યસ્થતા પણ બેઅસર રહી હતી. આ સાથે ટ્રક એસોસિએશન દ્વારા હડતાળ યથાવત રહી હતી.

બેઠક નિષ્ફળ રહી છે ત્યારે આગામી દિવસોમાં ચક્કાજામનું પણ આયોજન
કવોરી એસોસિએશન સાથેની આજે જે ટ્રક એસોસીએશનની જે બેઠક મળી હતી તેમાં કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે બેઠક નિષ્ફળ રહી છે. જેને લઈને આગામી દવસોમાં પણ હડતાળ યથાવત રાખી છે. હવે જરૂર પડ્યે કમ્પાઉન્ડમાં મુકેલી ટ્રકો રોડ પર ઉતારી દઈ ચક્કાજામ પણ કરવામાં આવશે. નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે. - રાજેન્દ્રસિંહ પરમાર, પ્રમુખ, ટ્રક એસો.

હવે શનિવારે ફરી બેઠક કરવામાં આવશે
આજે પ્રારંભિક બેઠક કરવામાં આવી હતી. જેમાં કેટલાક મુદ્દાઓ ઉપર મહત્વપૂર્ણ અને વિગતવાર ચર્ચા કરવામાં હતી. જોકે તમામ મુદ્દાઓ પર પુરતી સહમતી સધાય ન હતી જેને લઈને હવે આગામી શનિવારે ફરી બેઠક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ટ્રક ઓનર્સ એસોસિએશન સાથે પણ વાતચીત કરી સુખદ નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવશે. - સલીમભાઈ પટેલ, પ્રમુખ, કવોરી એસો.

અન્ય સમાચારો પણ છે...