ચીખલીમાં વડાપ્રધાનના કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને ભાજપની બેઠક યોજાઇ હતી. ચીખલીમાં ભાજપની યોજાયેલ બેઠકની શરૂઆતમાં તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ પટેલે આવકાર પ્રવચન કરી બેઠકની રૂપરેખા આપી હતી.બાદમાં જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા મોટી સંખ્યામાં ઉમટી પડવાનું છે તેમ જણાવી સરકારી વિવિધ ગરીબલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી.
જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને સમગ્ર જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહીવટી તંત્ર પણ કામ કરી રહ્યું છે ત્યારે આપણે પણ તેમાં જોડાઈ ને સહયોગ આપીને વધારેમાં વધારે લોકો નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા આવે તે દિશામાં કામ કરવું પડશે. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા આપણા વિસ્તારની અનેક યોજનાનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
વડાપ્રધાનના આગમનને લઈને નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વધુમાં નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે દમણગંગા મધુબન ડેમમાંથી પીવાના પાણીની પાઇપ લાઇન નાંખવામાં આવી રહી છે, તે પાઇપ લાઇન ખેરગામ તાલુકામાં પણ આવી રહી છે ત્યારે ધારાસભ્ય અનંત પટેલમાં તાકાત હોય તો આ યોજનાનો વિરોધ કરી બતાવે. સરકાર દ્વારા દમણગંગામાંથી ચીખલી, વાંસદા, ખેરગામ, ગણદેવી તાલુકામાં પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન હાથ ધરાયું છે. પોતાનો રાજકીય રોટલો શેકવા ટેવાયેલા લોકોને ગેરમાર્ગે દોરનારા નેતાઓથી સાવચેત રહેવાની જરૂર છે.
કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલ, ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય ડો.અમીતાબેન પટેલ, બાંધકામ અધ્યક્ષ દિપાબેન, સિંચાઈ અધ્યક્ષ પરિમલભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ,મહામંત્રી દિનેશભાઇ મહાકાળ, એપીએમસીના ડિરેકટર જે.ડી.પટેલ સહિતના મોટી સંખ્યામાં ભાજપીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મહામંત્રી સમીર પટેલે કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.