વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે વળતર વિવાદ:100થી વધુ વાંધા અરજીમાં સંયુક્ત હિસ્સાની મહત્તમ, ઝાડ-મકાન માટે પણ વળતરની માગ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચીખલી ખાતે પ્રાંત અધિકારી સામે રજૂઆત કરતા અસરગ્રસ્ત ખેડૂતો. - Divya Bhaskar
ચીખલી ખાતે પ્રાંત અધિકારી સામે રજૂઆત કરતા અસરગ્રસ્ત ખેડૂતો.
  • મલિયાધરા, ઘેજ, ચરીમાં યોજાયેલી બેઠકમાં પ્રાંત અધિકારીની સાફ વાત જો વળતર ન સ્વીકારાય તો સરકારમાં જમા થશે

વડોદરા મુંબઈ એક્સપ્રેસ-વે મા ચીખલી તાલુકાના મલિયાધરા, ઘેજ, ચરીમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં વળતરની રકમ ચૂકવ્યા વિના કબજા પાવતી પર સહી કરાવવા સામે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડૂતો દ્વારા ઘર, વૃક્ષોનું વળતર અલગથી ચૂકવવાની માંગ કરવામાં આવી છે.

વડોદરા મુંબઈ એક્સપ્રેસ-વે માં સંપાદિત જમીનના વળતર મેળવવા માટે મલિયાધરા, ઘેજ અને ચરી સહિતના ગામોમાં સંયુક્ત ખાતેદારોમાં નાના મોટા વિવાદના કારણે ખેડૂતો વળતર મેળવી શકતા નથી અને બીજી તરફ વાંધા અરજીની સુનાવણીમાં પણ કેટલાક કિસ્સાઓમાં નિરાકરણ નહીં આવતા અસરગ્રસ્ત ખેડૂતો જોઈન્ટ સરવેમાં થયેલા પંચરોજ કામ મુજબ એવોર્ડમાં જાહેર કરાયેલ વિગત અનુસાર વૃક્ષો તથા બાંધકામનું અલગથી વળતર ચૂકવવાની માંગ કરી રહ્યાં છે.

આ અંગે સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કાયદાની આંટીઘૂટી આગળ ધરી જમીન સંપાદનના અધિકારીઓ દ્વારા કોઈ નિર્ણય લેવાતો નથી. આ દરમિયાન બુધવારે નવસારીના પ્રાંત અને જમીન સંપાદનના સક્ષમ અધિકારી રાજેશભાઈ બોરડ, નાયબ મામલતદાર કુલદીપ પરમાર, સર્કલ ઓફિસર સુરેશભાઇ દેસાઈ સહિતના અધિકારીઓ દ્વારા મલિયાધરા, ઘેજ અને ચરી સહિતના ગામોમાં અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક યોજી વિવાદવાળા કિસ્સામાં નિરાકરણ માટે પ્રયત્ન હાથ ધર્યા હતા અને ખેડૂતોને કબજા પાવતી પર સહી કરવા માટે સમજાવાનો પ્રયાસ કરાયો હતો.

જો કે ખેડૂતો વિવાદ હોય તેવા કિસ્સામાં એવોર્ડમાં દર્શાવેલ વિગત મુજબ સંબંધિત ખેડૂતોને વૃક્ષો અને બાંધકામોનું વળતર અલગથી ચૂકવવા માંગ પર અડગ રહ્યાં હતા અને મોટાભાગના ખેડૂતોએ કબ્જા પાવતી પર સહી કરી ન હતી. બીજી તરફ પ્રાંત અધિકારી રાજેશભાઈ બોરડે ખેડૂતોને વિવાદવાળા કિસ્સામાં ઝડપથી અરસ-પરસ સમજૂતીથી નિરાકરણ લાવવા જણાવી તેમ નહીં કરશો તો વળતરની રકમ સરકારમાં પરત જમા કરાવી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી એક્સપ્રેસવે નું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે ત્યારે ખેડૂતો પણ સહકાર આપે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. બેઠકમાં કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, સરપંચ રાકેશભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

નિરાકરણ આવે તો પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી શકે
ચીખલી તાલુકાના ત્રણ ગામોમાં બુધવારે અસરગ્રસ્તો ખેડૂતો સાથે બેઠકનું આયોજન કરાયું હતું. હાલ 100થી વધુ વાંધા અરજીઓ વળતર મુદ્દે આવી છે. જોકે તેમાં સૌથી વધુ સંયુક્ત હિસ્સાવાળી જગગ્યામાં છે. આવા કિસ્સાઓમાં જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો સરકારમાં તે રકમ જમા કરાવી દેવી પડે અથવા એમની વચ્ચે સમાધાન થશે જરૂરી વળતર ચૂકવી દેવાશે. હાલ વૃક્ષ અને મકાન અંગે પણ વળતરની માગ થઈ રહી છે, જેથી આ મુદ્દે પણ સરકારમાં રજૂઆત કરી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાશે. જોકે હાલના તબક્કે જમીનનો કબજો પ્રોજેક્ટ માટે આપવા અનુરોધ કરાયો છે. - રાજેશ બોરડ, પ્રાંત અધિકારી, નવસારી

અન્ય સમાચારો પણ છે...