ચીખલી તાલુકા પંચાયતમાં પીવાના પાણીની સમસ્યા અંગેની સમીક્ષા બેઠકમાં સરપંચ-સભ્યોની રજૂઆતમાં તાત્કાલિક સરવે કરવા માટે વાસ્મોના પ્રતિનિધિઓને તાકીદ કરવામાં આવી હતી. જોકે વાસ્મો દ્વારા નલ સે જલ યોજનામાં હાલમાં કરાયેલા કામોમાં બેઠક દરમિયાન વ્યાપક ફરિયાદ ઉઠી હતી.
તાલુકા પંચાયતમાં પ્રમુખ કલ્પનાબેન ગાવિતના અધ્યક્ષસ્થાને ઇનચાર્જ પીઓકમ ટીડીઓ અંકિત ગોહિલ, ભાજપ પ્રમુખ મયંકભાઈ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવ બારોટ, વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર ગૌતમ નાયક, એટીવીટીના સભ્ય પ્રવિણભાઈ, નાયબ ટીડીઓ બી.જી.સોલંકી, મદદનીશ ટીડીઓ જીતુભાઇ સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલા પાણીના કામોમાં વીજ જોડાણ માટે સયુંકત ખેડૂત ખાતેદારોમાં તમામની સંમતિ મેળવવામાં ઉભી થતી સમસ્યા અંગે ચર્ચા કરી ઝડપથી વીજ જોડાણ મળે તે પ્રકારનો વ્યવહારૂ રસ્તો કાઢવા સૂચન કરાયા હતા.
વીજ જોડાણ અંગે કાર્યપાલક ઈજનેર ગૌતમભાઈ નાયકે ક્વોટેશન ભરાતાની સાથે જ અગ્રતા આપી જોડાણ આપી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. નલ સે જલ યોજનામાં ફડવેલ ગામે શાસક પક્ષના નેતા મહેશભાઈની રજૂઆતમાં નવેસરથી સરવે કરવા માટે વાસ્મોના ઇજનેરોને સૂચના અપાઈ હતી. વાંઝણા ગામે તાલુકા સભ્ય નરેન્દ્રભાઈ દ્વારા નલ સે જલ યોજનામાં કરાયેલ બોરવેલમાં પૂરતી લંબાઈમાં કેસિંગ પાઇપ નહીં નાંખવાની ઉભી થતી સમસ્યા અંગે રજૂઆત કરાતા વાસ્મોના સ્ટાફ દ્વારા નિરાકરણ માટે મૌખિક બાંહેધરી અપાઈ હતી.
જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈએ પણ રાનકૂવા વિસ્તારમાં નલ સે જલ યોજનાના કામોમાં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી. ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવ બારોટે નાણાંપંચની ગ્રાંટના પીવાના પાણીના કામો ઝડપથી શરૂ થાય તે માટે તાકીદ કરી હતી. બેઠકમાં ઘેજના સરપંચ રાકેશભાઈ, વાંઝણાના નિલેશભાઈ ઉપરાંત જયેશભાઇ, પરવતભાઈ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
સરકારની વિવિધ લાભદાયી યોજનાથી કોઇ વંચિત ના રહે : અધ્યક્ષ કલ્પનાબેન ગાવિત
અધ્યક્ષસ્થાનેથી કલ્પનાબેન ગાવિતે બેઠકમાં ઉપસ્થિત સરપંચો અને તાલુકા-જિલ્લા સભ્યોને પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તો તેની તાત્કાલિક રજૂઆત કરવા જણાવી તેમાં ઝડપથી સરવે કરી નિરાકરણ માટે વાસ્મોના પ્રતિનિધિઓને સૂચના આપી હતી. આ ઉપરાંત વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, આયુષ્યમાન ભારત કાર્ડ સહિતની વ્યક્તિગત લાભની યોજનાથી કોઈ વંચિત રહી નહીં જાય તે માટે તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.