તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ચીખલીમાં 6 PHC અને 3 CHCમાં મા કાર્ડની કામગીરી નહીં થતા હાલાકી

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખલી તાલુકામાં 6 પીએચસી અને 3 સીએચસીમાં માં-કાર્ડ કાઢવાનું નિયત કરાયાને લાંબો સમય વિતવા છતાં એક પણ સરકારી દવાખાનામાં મા-કાર્ડ કાઢવાની કામગીરી શરૂ નહીં થતા લોકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. ચીખલી તાલુકામાં 24મી એપ્રિલથી મા-કાર્ડ કાઢવાની કામગીરી બંધ છે.

મા અને માં-વાત્સલ્ય કાર્ડ કાઢવાની કામગીરીનો કરાર પૂરો થતા રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં જ કાર્ડ કાઢવાની જાહેરાત કરાયાને લાંબો સમય વિતવા છતાં ચીખલી તાલુકામાં એકપણ સરકારી હોસ્પિટલમાં આ કામગીરી શરૂ થઈ નથી. જરૂરિયાતમંદ પરિવારો માટે આરોગ્યની સેવામાં આશીર્વાદરૂપ સમાન મા-કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ કાઢવાની, રિન્યુઅલ કરવાની કામગીરી ચીખલી તાલુકામાં ગત 24 એપ્રિલથી બંધ છે. નવસારીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નવા કાર્ડ બનાવવાની પદ્ધતિ માટે ગત 21 જૂને કર્મચારીઓ માટે તાલીમ પણ યોજાઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના આલીપોર, ફડવેલ, ઘેજ, હોન્ડ, રાનવેરીકલ્લા, સાદકપોર એમ છ પીએચસી અને ચીખલી, રૂમલા સને ટાંકલ એમ ત્રણ સીએચસી મળી 9 સરકારી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાનું નિયત કરવામાં આવ્યું છે પરંતુ યેનકેન પ્રકારે આજદિન સુધી 9 માંથી એકપણ સરકારી હોસ્પિટલમાં કાર્ડ કાઢવાની કામગીરી શરૂ થઈ નથી. જેને પગલે ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે. ચીખલી તાલુકામાં કર્મચારીઓને તાલીમ પણ આપી દેવામાં આવી છે પરંતુ સ્થાનિક અધિકારીઓને મા-કાર્ડની કામગીરી શરૂ કરાવવા માટે રસ જ નહીં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ દાખવે તે આવશ્યક છે.

પ્રયત્ન કરવા છતાં હજુ સુધી ચાલુ થયું નથી
ચીખલીમાં મા-કાર્ડ કાઢવાની કામગીરી શરૂ થઈ નથી. કર્મચારી સંજયભાઈ જાતે આવીને પ્રયત્ન કરવા છતાં ચાલુ થયું નથી, ફરી જોઈ લઈએ છીએ. > ડો. દક્ષાબેન પટેલ, અધિક્ષક, ચીખલી રેફરલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...