ચીખલીના સારવણી ગામના કોલા ફળિયામાં ચોમાસા પૂર્વે જ નલ સે જલ યોજનામાં નિર્માણ કરાયેલ કેબિનમાં તિરાડ પડતા તારથી બાંધવાની નોબત આવી છે. તાલુકભરમાં વાસ્મોની નલ સે જલ યોજનાના કામોમાં નકરી વેઠ ઉતારી તકલાદી કામો કરી ગેરરીતિ આચરતા સરકારના લાખો રૂપિયા એળે જવા સાથે ઘણી યોજનાનું અસ્તિત્વ કાગળ પર જ રહી જાય તેવો ઘાટ સર્જાયો છે.
સારવણી ગામના કોલા ફળિયામાં ચોમાસા પૂર્વે વાસ્મો નલ સે જલ યોજના અંતર્ગત બોરવેલ કરી ઘરઘર નળના જોડાણ આપવામાં આવ્યા હતા. ઘરઆંગણે પાણી મળવાની આશાએ સ્થાનિકોમાં એક સમયે ખુશી ફેલાઈ હતી પરંતુ ટૂંકા ગાળામાં જ લોકોની આશા ઠગારી નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે. કોલા ફળિયામાં નલ સે જલ યોજનાનું મીટર અને મોટરનું સ્ટાર્ટર મુકવાની સિમેન્ટની દિવાલવાળી કેબિનમાં ઠેર ઠેર તિરાડ પડી ગઇ છે અને યોગ્ય રીતે ફિટિંગ નહીં કરાતા હાલ તારથી બાંધવાની નોબત આવી છે.
બીજી તરફ પીવીસીની પાઇપ લાઈનમાં પણ યોગ્ય ફિટિંગ કે ગુણવત્તાયુક્ત ડિઝાઇનમાં નિયત કરાયેલા પાઈપના અભાવે ઠેર ઠેર લીકેજ થતા લોકોના ઘર સુધી પાણી પૂરતા દબાણ અને પ્રમાણમાં પહોંચી રહ્યું નથી. નળને ફિક્સ કરવા માટે કોંક્રિટના ઢીમા બનાવાયા હતા તે પણ કેટલાક તૂટી ગયા છે. લોકોને ઘર ઘર નળથી પીવાનું પાણી મળે તે માટે સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ સારવણીના કોલા ફળિયા જેવી તો અનેક ગામોમાં ફરિયાદ ઉઠી રહી છે.
વાસ્મોની નલ સે જલ યોજનાના કામોમાં નકરી વેઠ ઉતારી ગુણવત્તાવિહિન તકલાદી કામો કરાતા સરકારના લાખો રૂપિયાના એંધાણ બાદ પણ લોકોને સુવિધા મળી નથી. બોરવેલની ઊંડાઈ, બોરવેલમાં નાંખવામાં આવેલ કેસિંગ પાઇપ, પાઇપ લાઈનમાં વાપરવામાં આવેલ પાઈપની વગેરેની ગુણવત્તાની તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.
નલ સે જલ યોજનાના 100 ટકા કામો પૂર્ણ થયા હોવાના ઠરાવ માટે ગ્રામસભાનું પણ આયોજન કરાયું છે. બીજી તરફ કેટલાય ગામોમાં યોજનાઓ પૂર્ણ રીતે ચાલુ થઈ નથી અને અદ્ધરતાલ છે ત્યારે ઉચ્ચ અધિકારીઓની લાડકા થવાની નિતીરીતિમાં કાગળ પર 100 ટકા કામગીરી દર્શાવતું આયોજન હોય તેમ લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.