તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ભ્રષ્ટાચારની ફરિયાદની તપાસમાં સિયાદા ગામના સભ્યોને સાથે રાખો

ચીખલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆતકર્તાઓને અંધારામાં રખાતા ઉભો થયેલો કચવાટ

સિયાદા ગ્રામ પંચાયતમાં સરપંચ-તલાટી સામે ભ્રષ્ટાચારની ફરિયાદની તપાસ સભ્યો અને આગેવાનોને સાથે રાખી કરવાની માંગ ટીડીઓ સમક્ષ કરવામાં આવી છે. તપાસમાં ગયેલા કર્મચારીઓએ સભ્યો સહિત રજૂઆતકર્તાઓને અંધારામાં રાખી તપાસ કરતા કચવાટ ફેલાયો છે. સિયાદા ગામના કેટલાક સભ્યો અને આગેવાનો દ્વારા થોડા સમય પૂર્વ સરકારની વિવિધ યોજનામાં સરપંચ તલાટીના મેળાપીપળામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની લેખિત રજૂઆત ટીડીઓ અને ડીડીઓ સમક્ષ કરી તપાસની માંગ કરાઈ હતી.

જે સંદર્ભે સોમવારે કેટલાક સભ્યો અને આગેવાનો દ્વારા તાલુકા પંચાયતમાં ટીડીઓ હિરેન ચૌહાણ, પ્રમુખ કલ્પનાબેન ગાવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ સહિતને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સિયાદા ગ્રામ પંચાયત મુકામે 27મી ઓગસ્ટે તપાસ માટે આવેલા અધિકારીએ સભ્યો કે ગ્રામજનોને જાણ કરવામાં આવેલ નહીં અને સરપંચ-તલાટીના મેળાપીપળામાં રેકર્ડ, ઠરાવો, હિસાબી ચોપડાઓ તપાસ્યાં વિના જ જતા રહ્યા હતા. તપાસકર્તાને ગેરરીતિ અંગે રૂબરૂ વાકેફ કરવા છતાં ખરી હકીકત ઉપર પડદો ઢાંકી ભીનું સકેલ છે ત્યારે યોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવે તો હકીકત બહાર આવે તેમ છે.

ગામમાં ફક્ત ને ફક્ત રેકર્ડ ઉપર યોજનાઓ બતાવવામાં આવેલ છે, સ્થળ પર હાલ કંઈ જ નથી. સિયાદા ગામમાં રૂ. 1,62,30,228ની ગ્રાંટ આપવામાં આવેલી છે, જે ગ્રાંટ ક્યાં વપરાઈ અને કેવી રીતે વપરાય તેની કોઈ માહિતી નથી. સ્થળ પર ગ્રાંટ વાપરવામાં આવી હોય એવા કોઈ પુરાવા દેખાતા નથી.

જેથી જરૂરી તપાસ કરાવી સરપંચ-તલાટીના મેળાપીપળામાં અંધેર વહીવટ ચાલતો અટકાવવા તેમના વિરૂદ્ધ કાયદાકીય પગલાં ભરવાની માંગ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા લાંબા સમયથી રજૂઆતકર્તાઓને અળગા રાખવામાં આવી રહ્યા હોવાની બૂમરાણ ઉઠી રહી છે. તેમને અંધારામાં રાખી કરાયેલી કાર્યવાહી સામે ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. જેને પગલે યોગ્ય તપાસ કરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...