શુક્રવારે સાંજના સમયે ચીખલીની અડીને આવેલા મજીગામના નિશાળ ફળિયામાં રહેતા પ્રવિણભાઈ હળપતિના ઘરે નવસારીના ગણેશ સિસોદ્રાથી જાન આવી હતી. આ દરમિયાન જાનૈયાઓ જમી પરવારીને નવરાશની પળોમાં હતા. દરમિયાન રાત્રે 8 વાગ્યાના અરસામાં નિશાળ ફળિયા પાસે ડેરી કોલોની રોડને અડીને આવેલા ખાડીયા કૂવાની પાળે બેસેલો ગણેશ સિસોદ્રાનો નિલેશભાઈ રાઠોડ (ઉ.વ.આ. 38) અચાનક અકસ્માતે કૂવામાં પડી જતા હડકંપ મચી ગયો હતો.
જેને પગલે સ્થાનિકો સાથે જાનૈયા સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. જોકે મજીગામના પૂર્વ સરપંચ કમલેશભાઈ સહિતનાઓ ઘટનાસ્થળે ધસી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી અને દોરડા સાથે ટાયર બાંધી અંદાજે 70 ફૂટ ઊંડા કુવામાં ઉતારી નિલેશ રાઠોડને હેમખેમ બહાર કાઢ્યો હતો. જાનૈયો કૂવામાં પડતા એક સમયે લગ્નની મજા બગડી હતી પરંતુ તેને સલામત રીતે બહાર કઢાતા રાહત થઈ હતી.
ઘટનાસ્થળે સર્કલ ઓફિસર સુરેશભાઇ દેસાઈ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ સહિતના ધસી જઇ જાતમાહિતી મેળવી હતી. જોકે ડેરી કોલોની રોડને હાલમાં જ વાઇડનિંગ કરવામાં આવ્યો છે પરંતુ આ કૂવા પાસે જગ્યાના અભાવે રોડની પહોળાઈ પણ આ સ્થળે પૂરતી નથી. આ બાબતે સ્થાનિક આગેવાન સિદ્ધાર્થભાઈ દેસાઈ દ્વારા અકસ્માત થવાની આશંકા વ્યક્ત કરી અગમચેતી દાખવી તકેદારીના પગલાં માટે માર્ગ મકાન વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
જોકે પર્યાપ્ત જગ્યા નહીં હોવા સાથે સ્થાનિકો પીવાના પાણી માટે આ કૂવાનો ઉપયોગ કરતા હોય માર્ગ મકાન દ્વારા સ્થળ નિરીક્ષણ કરી તકેદારીનું આયોજન હાથ ધરાયું હતું અને તેવામાં જ આ બનાવ બન્યો હતો. રાત્રિના આ બનાવ દરમિયાન પૂર્વ સરપંચ કમલેશભાઈ હળપતિ સહિતનાએ ખડેપગે સેવા બજાવી માર્ગ મકાન દ્વારા લોકોની સલામતી માટે ઝડપથી કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.