તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વંકાલ ગ્રામ પંચાયત કચેરીના જર્જરિત મકાનમાં પોપડો ખરી પડતા કર્મીને ઈજા

ચીખલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતઘરનું બાંધકામ શરૂ કરાતા કેટલાક આગેવાનોએ વિરોધ કર્યો હતો

વંકાલ ગ્રામ પંચાયત કચેરીના જર્જરિત મકાનના સ્લેબમાં પ્લાસ્ટરનો મસમોટો પોપડો ખરી પડતા ચોમાસા પૂર્વે મકાનની સ્થિતિ વધુ બદતર બની છે. વંકાલમાં પંચાયતઘરનું બાંધકામ શરૂ કરાયું હતું પરંતુ કેટલાક આગેવાનો દ્વારા જમીન અંગે ફરિયાદ કરતા કામ અટકી ગયું હતું.ચીખલી તાલુકાના વંકાલ ગ્રામ પંચાયત કચેરીના મકાનના સ્લેબમાંથી ગતરોજ સાંજના સમયે અચાનક પ્લાસ્ટરનો મસમોટો પોપડો ખરી પડ્યો હતો. આ સમયે ત્યાં હાજર કમ્પ્યૂટર ઓપરેટરને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

ચોમાસામાં ગ્રામ પંચાયત કચેરીમાં મોટા પ્રમાણમાં પાણી ટપકતાં સરપંચ, તલાટી ઉપરાંત સ્થાનિકોને ભારે હાલાકી વેઠવા પડી રહી હતી. હાલ ચોમાસા પૂર્વે જ સ્લેબના પ્લાસ્ટરના પોપડા ખરી પડ્યા છે ત્યારે આવનાર ચોમાસામાં વધુ બદતર હાલત થશે. અગાઉ ચોમાસામાં પાણી ટપકવાના કારણે રેકોર્ડ દસ્તાવેજોને પણ નુકસાન થયું હતું.

જોકે ઉપરોક્ત સ્થિતિમાં પૂર્વ સરપંચ દીપકભાઈ પટેલ સહિતના આગેવાનોની રજૂઆતને પગલે નવા પંચાયતઘરના મકાનના બાંધકામ માટેની મંજૂરી મળતા ગત વર્ષે તત્કાલિન જિલ્લા પંચાયત પ્રમુખ ડો. અમીતાબેન પટેલ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિતના દ્વારા ખાતમુહૂર્ત કરાતા બાંધકામ શરૂ થયું હતું અને પ્લીથ લેવલ સુધીનું બાંધકામ પણ થઈ ગયું હતું પરંતુ આ બાંધકામ તળાવની જગ્યામાં થઈ રહ્યું હોવાની રજૂઆત સ્થાનિક આગેવાનો દ્વારા કરાતા તપાસ બાદ ગત મે માસમાં જ કામ તંત્ર દ્વારા અટકાવી દેવાયું હતું.

વંકાલ ગામ મોટું હોવા સાથે નાના-મોટા કામો માટે અરજદારોની અવર-જવર પણ મોટાપાયે રહેતી હોય છે ત્યારે ચોમાસામાં કચેરીમાં પાણી ટપકવાથી કમ્પ્યૂટર જેવા ઉપકરણોને નુકસાન થવા સાથે ત્યાં કામ કરનારા અને અરજદારોનું સ્વાસ્થ્ય પણ જોખમાય અને દસ્તાવેજોને પણ નુકસાન થવાની સ્થિતિ ઉભી થશે.

કચેરીમાં ચોમાસામાં ખૂબ જ પાણી ટપકે છે
ગ્રામ પંચાયત કચેરીમાં ચોમાસામાં ખૂબ જ પાણી ટપકે છે અને ઘણીવાર એક ફૂટ જેટલું પાણી ભરાય જાય છે. નવા મકાનનું બાંધકામ શરૂ કરાયું હતું પરંતુ જમીન બાબતે કેટલાક લોકો દ્વારા રજૂઆત થતા કામ અટકી ગયું હતું. ગ્રામ પંચાયત પાસે અન્યત્ર જમીન ઉપલબ્ધ નહીં હોવાથી જ્યાં જમીન હતી ત્યાં બાંધકામ કરાઈ રહ્યું હતું પરંતુ વિકાસના કામમાં વિવાદ ઉભો કરીને કામ બંધ કરાવી દીધું હતું. - દીપકભાઈ પટેલ, પૂર્વ સરપંચ, વંકાલ

અન્ય સમાચારો પણ છે...