કાર્યવાહી:સાદકપોરમાં જાનૈયાઓએ બસના સ્થાનિક કંડકટરને માર માર્યો

ચીખલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરઘોડા વચ્ચે બસ ફસાતા કહેવા જતા બનેલી ઘટના

સાદકપોર ગામે જાનૈયાઓએ બસના સ્થાનિક કંડક્ટરને મારતા રોષે ભરાયેલ સ્થાનિક ટોળાએ જાનમાં આવેલા કેટલાક આગેવાનોને મેથીપાક આપતા પોલીસ દોડતી થઈ હતી. જોકે પોલીસ ચોપડે ગુનો નોંધાયો ન હતો.

ચીખલી તાલુકાના સાદકપોર ચડિયામાં ગુરૂવારના રોજ સાંજના સમયે ખાંભડાથી જાન આવી હતી અને જાનૈયાઓ સંગીતના તાલે ઝૂમી રહ્યાં હતા. દરમિયાન 7.30 વાગ્યાના અરસામાં વરઘોડામાં એસટી બસ ફસાતા થોડો સમય રાહ જોયા બાદ કંડકટર બસને કાઢવા જગ્યા આપવાનું કહેવા જતા જાનૈયાઓએ તેને માર માર્યો હતો.

આ કંડકટર સ્થાનિક હોવાથી આ વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિકોના ટોળેટોળા ધસી આવી જાનમાં આવેલા કેટલાક આગેવાનોને મેથીપાક આપતા પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી જઇ સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. એક સમયે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. બનાવમાં ઇજાગ્રસ્ત કેટલાકને સારવાર લેવાની નોબત આવી હોવાનું જાણવા મળ્યું હતું.

બનાવ અંગે ફરિયાદ આપવા ગયેલા સ્થાનિકોને પોલીસ મથકમાં પીએસઆઇએ ફરિયાદ લેવા ગલ્લા તલ્લા કરી દાદ નહીં આપતા વધુ રોષ ફેલાયો હતો. જોકે બાદમાં બન્ને પક્ષો તરફથી સમાધાનની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...