ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામે બ્લોક નંબર-636વાળી જમીનમાં પથ્થરની લીઝ સામે સ્થાનિકોની વાંધા અરજી બાદ મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી પંચક્યાસ કરી અહેવાલ સુપ્રત કરવા માટે સરપંચ-તલાટીને સૂચના આપી હતી.
રેઠવાણીયા ગામે આવેલ બ્લોક નંબર 636 (જુનો બ્લોક નંબર 506 પૈકી 1) વાળી જમીનમાંથી ચાસા અને રેઠવાણીયા ગામને જોડતો રસ્તો પસાર થાય છે અને આ બ્લોક નંબરના 7/12ના ઉતારામાં આ રસ્તાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
જેમાં રસ્તાનું કુલ ક્ષેત્રફળ 0-19-22 હે.આરે ચો.મી દર્શાવેલ છે. આ બ્લોક નંબરવાળી જમીનમાં રમણીક લવાભાઈ વગેરેએ પથ્થર કાઢવાની લીઝની માંગણી કરી હોવાનું જાણ થતા ચાસા અને રેઠવાણીયા ગામના લોકોએ જિલ્લા કલેકટર ખાણ ખનીજ વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી આ 636 બ્લોક નંબરવાળી જમીનમાં પથ્થરની લીઝ કાઢવાની મંજૂરી આપવામાં આવે તો વર્ષોથી સ્થળ પર અને રેકોર્ડ પર ચાલી આવેલો રસ્તો બંધ થઈ જશે અને ખેડૂતો ખેતી કરવા જઈ શકશે નહીં અને ખેડૂતો પાયમાલ થઈ જશે તેમ જણાવી લીઝની મંજૂરી નહીં આપવા રજૂઆત કરી હતી.
આ રજૂઆતને પગલે મામલતદાર, સર્કલ ઓફિસર સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી આસપાસના ક્વોરી માલિકો સંચાલકોને હાજર રાખી સરપંચ તલાટીને આ બ્લોક નંબર વાળી જમીનમાંથી પસાર થતા તમામ રસ્તાઓ બાબતે પંચકયાસ કરી અહેવાલ સુપ્રત કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ખેડૂતોને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું.
ચીખલી તાલુકાનાં રેઠવાણીયા ગામે રસ્તો ભવિષ્યમાં બંધ થવાની ભીતિ સ્થાનિક ખેડૂતો કરી રહ્યાં છે. આ બાબતે સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરવા જવાના હોવાની માહિતી મળી છે. જેને પગલે આગામી દિવસોમાં માહોલ ગરમ થવાની ચર્ચા ઉઠી છે.
રસ્તો બંધ થાય એમ હોવાથી વિરોધ કર્યો હતો
રેઠવાણીયા ગામના બ્લોક નંબર 636 વાળી જમીનમાં પથ્થરની લીઝ કાઢવાની મંજૂરી આપવામાં આવે તો અમારો વર્ષો જૂનો રસ્તો બંધ થાય તેમ હોવાથી અમોએ લેખિત વિરોધ કર્યો હતો. આ સંદર્ભે ગતરોજ ચીખલીના મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી રસ્તા અંગે જરૂરી પંચકયાસ કરી રિપોર્ટ કરવા માટે સરપંચ-તલાટીને જણાવ્યું છે.> દિનેશભાઈ આહીર, સ્થાનિક અગ્રણી, ચાસા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.