ચીખલી તાલુકાની રાનકૂવા પ્રાથમિક શાળામાં આચાર્યએ 6 જેટલા જર્જરિત ઓરડા તોડવાની મંજૂરી લઈ તેની સાથે વગર પરવાનગીએ હોલ પણ તોડી નાંખતા શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાનકૂવામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બુનિયાદી વિદ્યામંદિર કેન્દ્ર શાળાના આચાર્ય દ્વારા શાળાના છ જેટલા જર્જરિત ઓરડા તોડવાની મંજૂરી લઈ હરાજી પ્રક્રિયા દ્વારા આ તમામ છ જેટલા ઓરડા તોડી નંખાયા હતા પરંતુ આ ઓરડા સાથે એક હોલનું ડિમોશન કરાયું હતું.
આ હોલ તોડવા માટે આચાર્ય દ્વારા સંબંધિત ઇજનેરનો અભિપ્રાય મેળવી પરવાનગી મેળવવાની નિયમોનુસાર પ્રક્રિયા કરાઈ ન હતી અને પરવાનગી વિના જ હોલને પણ તોડી પાડવામાં આવ્યો છે. હકીકતમાં અપસેટ વેલ્યુ નક્કી કરાવી જાહેર હરાજી દ્વારા તોડવાનું હોય છે પરંતુ તેમ નહીં કરતા આ હોલના બારી દરવાજા સહિતના કાટમાલની ઉપજની રકમનું શું ? તેવા અનેક સવાલો ઊભા થયા છે. અપસેટ વેલ્યુ નક્કી કર્યા વિના આ પ્રકારે બારોબાર કારબાર કરાતા શિક્ષણ સમિતિને પણ આર્થિક નુકસાન થયું છે.
સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાનકૂવા શાળાના આચાર્ય રાજુભાઈ હાલ ઇન્ચાર્જ બીટ નિરીક્ષક છે અને તે પૂર્વે થોડા સમય માટે ટીપીઇઓ તરીકેની પણ કામગીરી કરી હતી ત્યારે શાળાનું મકાન તોડવા માટે કરવા પડતી પ્રક્રિયાથી તેઓ અજાણ હોય તેવું શક્ય નથી. છ ઓરડા તોડવાની તો મંજૂરી લીધી જ હતી તો હોલ તોડવાની મંજૂરી કેમ નહીં લેવાય અને મંજૂરી વિના કેવી રીતે હોલ તોડી નાંખવામાં આવ્યો તે સમગ્ર બાબતે તપાસ જરૂરી જણાઈ રહી છે.
વહીવટી મંજૂરી લીધા બાદ જ નડતરરૂપ હોલને દૂર કર્યો છે
ઓરડા તોડવાની મંજૂરી લીધેલી હોય અને હોલ નડતરરૂપ હોવા સાથે ખૂણા ખાંચરાવાળો હોય સ્થાનિક કક્ષાએથી મંજૂરી લઈ આ નડતરરૂપ લાગતા હોલને કાઢ્યો છે.> રાજુભાઇ, આચાર્ય, રાનકૂવા પ્રા.શાળા
હોલ તોડવાની પરવાનગી લીધી નથી
રાનકૂવાના આચાર્ય પાસે માહિતી મેળવી છે, જેમાં છ ઓરડા તોડવાની મંજૂરી લીધેલી છે પરંતુ હોલ તોડવાની મંજૂરી લીધી નથી. આ સમગ્ર બાબતે તપાસ કરી અહેવાલ ડીપીઈઓને આપવામાં આવશે. > ગોવિંદભાઇ દેશમુખ, ટીપીઈઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.