તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:મજીગામમાં કૂપન સ્ક્રેચ કરાવી ઇનામની લાલચ આપી ગઠિયાઓએ રૂપિયા ખંખેર્યા

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓને મોટા ઇનામોનું લિસ્ટ બતાવી રૂ.બે-બે હજાર પડાવી લીધા

મજીગામ નીલકંઠ રેસિડેન્સીમાં કૂપન સ્ક્રેચ કરો તો ઇનામ લાગશે એવી લાલચ આપી 2-2 હજાર રૂપિયા ખંખેરી ગઠિયા કારમાં ફરાર થઈ ગયા હતા.બનાવની સ્થાનિકોને જણાવ્યાનુસાર ચીખલી નજીકના મજીગામ સ્થિત નીલકંઠ રેસિડેન્સીમાં બપોરના સમયે ચારેક ગઠિયાએ ઘરે ઘરે ફરી મહિલાઓને બે હજાર રૂપિયાની કૂપન બતાવી હતી. આ ગઠિયાઓએ તેઓને જણાવ્યું કે, આ કૂપન સ્ક્રેચ કરશો તો તમને મોટા ઇનામો લાગશે. તેઓએ ઈનામોનું લિસ્ટ બતાવી મહિલાઓને પ્રલોભન આપ્યું હતું. કેટલાકે બે હજાર રૂપિયા આપી કૂપન ખરીદી સ્ક્રેચ કરતા એકને મિક્ષચર મશીનનું ઇનામ લાગ્યું હતું.

જેથી અન્ય લોકોને વિશ્વાસમાં લેવા મશીન પણ આપ્યું હતું. બાકીના બે જણાંને અમારો ટેમ્પો બહાર ઉભો છે તમે ત્યાંથી તમારું ઇનામ લઈ આવો તેમ જણાવ્યું હતું. તેઓ બહાર જઈને જોતા કોઈ ટેમ્પો નજરે પડ્યો ન હતો. આ દરમિયાન ગઠિયાઓ બે-બે હજાર રૂપિયા ખંખેરી ફરાર થઈ ગયા હતા. ગઠિયાઓએ મહત્તમ રહીશો નોકરી-ધંધાર્થે ઘરની બહાર હોય અને મહિલાઓ ઘરે એકલી જ હોય તે રીતે બપોરના સમય પસંદ કરીને આવતા હોય તેમ લાગી રહ્યું છે.

વધુમાં સોસાયટીના સીસીટીવી કેમેરામાં સફેદ કલરની તેમની ઇકો કારનો નંબર કેદ નહીં થાય તે રીતે કાર ઉભી રાખી હતી અને ઘરના સીસીટીવી કેમેરામાં પણ ચહેરો ચઢી જતા યેનકેન પ્રકારે ચહેરો સંતાડી દેતા સ્પષ્ટ જોવા મળ્યા ન હતા. જોકે બે હજારમાં કૂપન વેચી સ્ક્રેચ કરાવી ગઠિયાઓ દ્વારા ઠગાઈ કરવાના આ બનાવની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં કુપનના નામે મોટા ઇનામો લગાવી આપવાની લાલચ આપી ગઠિયાઓ છેતરપિંડી કરતા આવ્યા છે, પરંતુ આવા કિસ્સામાં ગઠિયાઓ લોલીપોપ આપી ફરાર થઇ જતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...